GujaratSouth GujaratSurat

સુરત ભાજપના નેતાઓને બદનામ કરવા રચાયેલ પત્રિકાકાંડમાં સામે આવ્યો ભાજપનો આંતરિક વિખવાદ

છેલ્લા ઘણા સમયથી સુરત ભાજપમાં ચાલી રહેલ આંતરિક વિખવાદને લઈને રાજકારણ ગરમાયુ છે. ત્યારે હવે તો આ વિખવાદ જાહેરમાં આવી ગયો છે. સુરત ભાજપનાં પ્રદેશ નેતા,સંસદ સભ્ય અને ધારાસભ્યની બદનામી કરવાનું એક કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્ય સંદીપ દેસાઈએ કરેલ ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાંચે આ મામલે ખુમાન પટેલ, દીપુ યાદવ, તેમજ રાકેશ સોલંકી ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે જે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેઓ પણ ભાજપના જ કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન આવેલ ચૂંટણી ફંડ ને લઈને પ્રદેશ નેતા,સંસદ સભ્ય અને ધારાસભ્ય પર ગંભીર પ્રકારના આક્ષેપો લગાવતા વીડિયો અને પત્રિકા સુરતમાં વાયરલ થયા હતા. ત્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈએ ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને ત્રણ લોકોની અટકાયત પણ કરી છે. પોલીસે જે ત્રણ લોકોની અટકાયત કરી છે તેમાંથી રાકેશ સોલંકી તો ગણપત વસાવાની નજીકનાં ગણવામાં આવે છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, પ્રદેશ નેતા અને ધારાસભ્યની બદનામી કરતી એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી હતી. ત્યારે દોઢેક મહિના અગાઉ આ મામલે મેં ક્રાઈમબ્રાંચમાં એક અરજી પણ આપી હતી. જે અનુસંધાને આજે ક્રાઈમ બ્રાન્ચમાં આ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે આ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવશે.