પોપટના મોત પર આખો પરિવાર રડ્યો, પરિવારે કહ્યું કે- 25 વર્ષથી સાથે હતો, હવે છોડીને જતો રહ્યો
પ્રાણીઓ અને પક્ષીઓને ઉછેરવા એ ઘણા લોકોનો શોખ છે. ઘણા લોકો તેમની સાથે એટલા જોડાઈ જાય છે કે તેઓ તેમને તેમના પરિવારના સભ્યો તરીકે માનવા લાગે છે. તેમના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જાય છે. જાણે પરિવારનો કોઈ સભ્ય છોડીને ગયો હોય. આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી સામે આવ્યો છે.
જ્યાં મજમુદાર પરિવારે ‘ભક્તો’ નામનો પોપટ (Parrot) પાળ્યો હતો. તે પોપટ થોડા દિવસ પહેલા મૃત્યુ પામ્યો હતો. પોપટના મોતથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે. પરિવારજનોનું કહેવું છે કે ‘ભક્તો’ 25 વર્ષથી તેમની સાથે હતો.હવે પોપટના મૃત્યુ પછી, સંબંધીઓએ તેને તેમના પરિવારનો એક ભાગ માનીને ગામમાં સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ‘ભક્તો’ના અંતિમ સંસ્કાર કર્યા. સંબંધીઓએ જણાવ્યું કે પોપટ અમારા માટે બાળક જેવો હતો. અમે તેની સાથે એટલા જોડાયેલા હતા કે અમે જે ખાતા હતા તે જ તેને ખવડાવતા હતા.
આ પણ વાંચો: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ
મજમુદાર પરવારે પોપટના મૃત્યુ વિશે જણાવ્યું કે અમારા ઘરે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઘરમાં મોટા અવાજે સંગીત વાગતું હતું. એકાએક પોપટ તેના પાંજરાની અંદર તરફડિયાં મારવા લાગ્યો. તેને આવી હાલતમાં જોઈને અમે તેને પાંજરામાંથી બહાર કાઢીને પાણી આપ્યું. થોડીવાર માટે તેણે આંખો પણ ખોલી પણ થોડા સમય પછી તેનું મોત થઈ ગયું. મજુમદાર પરિવારના એક સભ્ય તારકે કહ્યું કે મને લાગે છે કે ગીતોનો જોરદાર અવાજ ભક્તો ના મોતનું કારણ બન્યો હશે.