રોજગારી માટે સુરત આવેલા કામદારને મશગુલ થઈને ફોનમાં વાત કરવી પડી ભારે, ચોથા માળેથી નીચે પટકાતા થયું મોત
ઘણી વખત લોકો મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેઓ આજુ બાજુ શુ ચાલી રહ્યું છે તે લન ભૂલી જતા હોય છે. અને આ અદાતને કારણે અનેક વખત દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે. આવું જ કંઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરનાર આધેડ મોબાઈલમાં વ્યસ્ત હતો તે દરમિયાન તેને ધ્યાન ના રહેતા આ આધેડ ચોથા માળેથી નીચે પટકાયો હતો. અને ઘટનાસ્થળ પર જ તેનું મોત નીપજ્યું છે. આધેડના મોતથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લાના 53 વર્ષની ઉંમરના શિવપ્રસાદ રામપાલ 10 દિવસ અગાઉ જ રોજગારી મેળવવા માટે ઉત્તરપ્રદેશથી સુરત આવ્યા હતા. ત્યારે તેઓ ઉધના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી એક નવનિર્મિત બિલ્ડિંગમાં ચોથા માળે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન બિલ્ડિંગમાં શિવપ્રસાદ પોતાના ફોન પર વાત કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. આ એ તેમને ખબર જ ના રહી કે તેઓ ક્યાંથી વાત કરી રહ્યા છે. અને વાતોમાં વ્યસ્ત શિવપ્રસાદ ચોથા માળેથી નીચે પટકાયા હતા. અને ઘટનાસ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે, ચોથા માળેથી શિવપ્રસાદ નીચે પટકાતાં જ તેમના સાથે કામ કરનારા કામદારો તરત જ દોડી આવ્યા હતા. અને તાત્કાલિક અસરથી શિવપ્રસાદને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે શિવપ્રસાદની તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી શિવપ્રસાદના સાથી વતનવાસીઓમાં પણ આ સમાચાર સાંભળીને શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો વતનવાસીઓ દ્વારા શિવપ્રસાદના મૃતદેહને વતન ખસેડવા માટેની તૈયારી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 10 દિવસ અગાઉ જ શિવ પ્રસાદ એકલા રોજગારી મેળવવા માટે સુરત ખાતે આવ્યા હતા. શિવપ્રસાદના મોતના સમાચાર સાંભળીને વતનમાં રહેતા તેમના પરિવારજનો લન શોકમાં ગરકાવ થઈ ગયા છે.