BSF સિક્રેટ માહિતી આ રીતે પહોંચી પાકિસ્તાન, તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા
ભુજમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવનાર એક વ્યક્તિએ કથિત રીતે એક પાકિસ્તાની મહિલા ગુપ્તચર એજન્ટ સાથે સંવેદનશીલ માહિતી શેર કરી તે બદલ તેની ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ (ATS) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા કચ્છી યુવકને પાકિસ્તાની મહિલાએ WhatsApp પર પોતાનું નામ ‘અદિતિ તિવારી’ હોવાનું જણાવ્યું હતું. તપાસમાં એવું સામે આવ્યું કે, પાકિસ્તાની એજન્ટે 2023માં હિંદુ નામ ધારણ કરીને નિલેશને પોતાની જાળમાં ફસાવ્યો હતો.
એટીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી નિલેશ બળિયા ભુજમાં BSF હેડક્વાર્ટર ના કેમ્પસ ખાતે આવેલી સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (CPWD)ની ઇલેક્ટ્રિકલ ઓફિસમાં કોન્ટ્રાક્ટેડ કર્મચારી તરીકે છેલ્લા પાંચ વર્ષથી કામ કરતો હતો. નિલેશ બળિયા વર્ષ 2023 ની શરૂઆત ના મહિના જાન્યુઆરીમાં કથિત પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. પાકિસ્તાની એજન્ટે પોતાનો પરિચય આપતા જણાવ્યું કે તેનું નામ અદિતિ તિવારી છે અને તે કોઈ કોર્પોરેટ હાઉસ માટે કામ કરે છે. આ પાકિસ્તાની એજન્ટે નિલેશ બળિયા સાથે પ્રેમભરી વાતો કરીને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. અને પછી નિલેશ જ્યારે આ પાકિસ્તાની એજન્ટ પર પુરા વિશ્વાસ સાથે વાત કરવા લાગ્યો ત્યારે આ પાકિસ્તાની એજન્ટે નિલેશની BSF તેમજ સરહદ વિસ્તારની કેટલીક વિગતો પૂછી હતી. યુવતીએ નિલેશની કહ્યું કે જો તું માહિતી આપીશ તો તેના બદલામાં તને રૂપિયા આપીશ. તેથી નિલેશે નિર્માણાધીન અને BSFની હાલની બિલ્ડીંગોમાં વિદ્યુતીકરણના કામને લગતા કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો તેમજ સિવિલ વિભાગોને લગતા કેટલાક દસ્તાવેજોની માહિતી પાકિસ્તાની એજન્ટ સાથે શેર કરવાનું શરૂ કર્યું હતું.
ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું હતું કે, પાકિસ્તાની એજન્ટે નિલેશની પેટીએમ સહિત અલગ અલગ UPI પ્લેટફોર્મના માધ્યમથી કુલ 28,800 રૂપિયા ચૂકવ્યા હતાં. નિલેશ અને આ યુવતી ઓફિસનો સમય પૂરો થયા પછી એકબીજા સાથે વાતચીત કરતા હતા.
બળિયાની ગતિવિધિઓ અંગેની જાણકારી મળ્યા પછી ATSએ તેના પર બાજ નજર રાખીને તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. અને તેના ફોન રેકોર્ડ તેમજ તેના બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન તપાસ્યા હતા. હાલ તો નિલેશ બળિયા વિરુદ્ધ આઇપીસીની કલમ 121 A, 123 અને 120 B હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.