GujaratRajkotSaurashtra

રાજકોટના આ ચોરે તો ફિલ્મી સીન ઉભો કરી દીધો

ગત 11 એપ્રિલના રોજ રાજકોટ શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેલેસ રોડ ખાતે આવેલી રાજશૃંગી કોમ્પ્લેક્સમાં એસ એન ઓર્નામેન્ટ નામની એક સોનીની દુકાનમાં સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાની ફરીયાદ નોંધાઈ હતી. ત્યારે ડીસીપી ઝોન 2ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે આરોપી 22 વર્ષીય શેખ નાસુરુદીન સાઈદુલ ઇસ્લામની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી સાઈદુલ ઇસ્લામ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત 11 એપ્રિલના રોજ રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલી એસ એન ઓર્નામેન્ટ નામની એક સોનીની દુકાનમાં ચોરી થયાની ઘટના બની હતી. ત્યારે દુકાન માલિકે આ મામલે જણાવ્યું કે, તેમનજ દુકાનમાં તેમની સાથે 4 જેટલા કારીગર પણ કામ કરે છે. સવારના 10:30 વાગ્યાની આસપાસ તેમના કારીગર સાદિકે તેમને ફોન કરીને કહ્યું કે આપણી દુકાનના બધા ખાના તૂટેલા છે. તેમજ દુકાનમાઠું સોનાના ઘરેણાંની ચોરી પણ થયેલી છે. અને ત્યારપછી આ સમગ્ર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી.

પોલીસને પહેલેથી જ શંકા હતી કે, ચોરીના ગુનામાં એવા વ્યક્તિનો હાથ છે જેને બધી જ ખબર હોય. કારણ કે દુકાનની બહારના બધા જ આંકડિયા લોક સહિતની કોઈપણ વસ્તુઓ સાથે છેડછાડ કે તોડ્યા વગર આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. તેમજ કોઈએ દુકાનની પાછળની બાજુએ રહેલ એક બારીમાંથી દુકાનમાં પ્રવેશ કર્યો હોય તેવું પણ જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે દુકાનમાં કામ કરનારા તમામ કારીગરોની કડકાઇથી પૂછપરછ કરી હતી. પરંતુ તમામ લોકો આ બાબતથી અજાણ હોવાનું જણાવતા હતા. તેમજ ઘટના બની તેના બીજા દિવસથી જ બધા જ લોકો રોજની જેમ જ દુકાનમાં કામ કરવા આવતા હતા. આ સંજોગોમાં ઝોન ટુના DCP સુધીર દેસાઈની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઘટના સ્થળથી લઈને આરોપીના ઘર સુધીના અલગ અલગ 80 જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા. તેમજ ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી ચોરની ઓળખ થઈ હતી. આ સમગ્ર કેસમાં બહાર આવ્યું કે દુકાનમાં કામ કરનાર શેખ નાસુરૂદીને જ દુકાનમાંથી ચોરી કરી છે. આ એ તેના ઘરેથી 13.30 લાખ રૂપિયાના સોનાના ઘરેણાં તેમજ 41,500 રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.

તમને જણાવી દઈએ કે, છેલ્લા બે મહિનાથી આરોપી આ દુકાનમાં સોની કામ કરી રહ્યો હતો. જેથી તે દુકાનથી પૂરી રીતે વાકેફ હતો. દુકાનની પાછળની બાજુએ બારીની ગ્રીલ તૂટેલી જોઈને તેણે આ સમગ્ર પ્લાન બનાવ્યો હતો. આરોપીએ મોઢા પર દુપટ્ટો બાંધીને રાત્રિના સમયે એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારપછી એપાર્ટમેન્ટની અગાસી પર આરોપીએ આશરે દોઢ કલાક જેટલું રોકાણ કર્યું હતું. એપાર્ટમેન્ટમાં રહેતા બધા જ લોકો પોતાનું કામકાજ છોડીને તેમના ઘરે જતા રહે ત્યારપછી આરીપીએ એક દોરડું પોતાની કમરે બાંધ્યું તેમજ બીજું દોરડું એપાર્ટમેન્ટના પિલરમાં બાંધ્યું અને દોરડાના સહારે આરોપીએ ધીરે ધીરે દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો. અને પછી દુકાનમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હતી. આ મામલે તેના પર કોઈને પણ શક ના થાય તે માટે તે ઘટનાના બીજા જ દિવસથી રાબેતા મુજબ દુકાને પણ કામ કરવા આવતો હતો. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.