ઓખામાં ફસાયેલા 50 કર્મચારીઓ ને બચાવવા જવાનોએ દરિયાની વચ્ચે કર્યું દિલધડક રેસ્ક્યુ

ગુજરાતના બિપોરજોય વાવાઝોડાનું સંકટ રહેલું છે. આ વાવાઝોડું પહેલા પાકિસ્તાન તરફ જવાનું હતું પરંતુ તેની દિશા બદલતા હવે તે ગુજરાત તરફ ફંટાયું છે. જ્યારે આ વાવાઝોડાને લઈને સતત ચર્ચાઓ પણ ચાલી રહી છે. હાલમાં આ વાવાઝોડું પોરબંદરથી 290 કિમિ, દેવભૂમિ દ્વારકાથી 300 કિમિ અને જખૌ 360 કિમિ અને નલિયા થી 370 કિમિ દૂર રહેલું છે. 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે હવે વાવાઝોડાની અસર દરિયાકિનારે જોવા મળી રહી છે. તેના લીધે તંત્ર દ્વારા સલામતી કામગીરી હાથ ધરવામાં આવી છે.

વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી છે. એવામાં ઓખાથી મોટી જાણકારી સામે આવી છે.  ઓખામાં કોસ્ટ ગાર્ડ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવ્યા છે. ઓખા પાસે 50 કર્મચારીઓનું કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 50 કર્મચારીઓ ફસાયેલા હોવાની જાણકારી મળતા વહેલી સવારના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ઓખા પાસે રીંગ માં કામ કરનાર 50 કામદારો ખરાબ હવામાન લીધે ફસાઈ ગયા હતા. આ તમામ 50 કામદારોને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. ગઈકાલ સાંજના કોસ્ટ ગાર્ડને જાણકારી મળી હતી કે,  50 કર્મચારીઓ ફસાઈ ગયા છે. આ કારણોસર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, મોડી રાત્રીના ખરાબ હવામાન ના લીધે ઓપરેશન માં મુશ્કેલી પડી હતી. તેમ છતાં વહેલી સવારના કોસ્ટગાર્ડનું  હેલિકોપ્ટર પહોંચી ગયું અને 50 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા.

જ્યારે હવામાન વિભાગ દ્વારા કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં વેરાવળ અને સુત્રાપાડામાં પણ ભારે વરસાદ વરસ્યો છે.  છેલ્લા 24 કલાકમાં આ બન્ને વિસ્તારમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં પણ વરસાદી માહોલ બનેલો છે. જ્યારે ખંભાળિયામાં આજે સવારના બે કલાકમાં ત્રણ ઈંચ અને ઉપલેટામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલ અને વાવાઝોડાને લીધે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તેની સાથે વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં દેખાઈ રહી છે. કચ્છમાં ભારે પવન જોવા મળી રહ્યો છે. જ્યારે આજ સવારથી કચ્છ, ભુજ અને અંજારમાં વરસાદી માહોલ બન્યો છે. જ્યારે ગાંધીધામ અને નલિયામાં પણ વરસાદી માહોલ બન્યો છે.