સુરતના પાંડેસરા વિસ્તારમાં 13 વર્ષિય કિશોરીનું વીજ કરંટ લાગતા કરુણ મોત
સુરતમાં કરંટ લાગતા એક 13 વર્ષીય કિશોરીનું કરુણ મોત નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. ઝાડ પરથી લોખંડના સળિયા વડે બદામ પાડવા જતા ઉપરથી પસાર થનાર હાઈટેનશન લાઇનને લોખંડના સળીયો અડી જતા કિશોરીને કરંટ લાગી ગયો હતો. તેના લીધે તેનું કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદનો શ્રમિક પરિવાર ચાર મહિના પહેલા જ મજૂરી કામ માટે સુરતમાં આવેલો હતો. પરતિભાઇ પરિવારના પત્ની અને છ સંતાનો સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલી ગણેશનગરમાં નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા અને ત્યાં જવસવાટ કરતા હતા. તેમાં ત્રીજા નંબરની 13 વર્ષીય દીકરી સકીના રહેલ હતી. એવામાં 20 જૂનના રોજ પરિવાર કામ પર રહેલો હતો તે સમયે સકીના દ્વારા પહેલા માળેથી નજીકમાં જ આવેલા ઝાડ પરથી લોખંડના સળિયા વડે બદામ પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તે સમયે લોખંડનો સળિયો ઉપરથી પસાર થઈ રહેલ હાઈટેન્શન લાઈનને અડી જતા સકીનાને કરંટ લાગ્યો હતો. તેને લીધે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી
ત્યાર બાદ ગંભીર રીતે દાઝી ગયેલી સકીનાને સારવા માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. કિશોરી 50 ટકા સુધી દાઝી જતા તેની હાલત ગંભીર રહેલી હતી. એવામાં કિશોરીનું આઠ દિવસ બાદ અંતે કરુણ મોત નીપજ્યું છે. તેના લીધે પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી છે.