અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું લેન્ડફોલ થયા બાદ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની સાથે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે. તેના લીધે અનેક વિસ્તારોથી જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી રહી છે. જ્યારે આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ એક જર્જરિત મકાન ધરાશાઈ થતા ઘરના કાટમાળમાં એક મહિલા અને બે પુરુષ દબાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ત્યાર બાદ ફાયરવિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી.
હાલમાં ફાયરવિભાગની નવ ગાડીઓ દોડી આવી છે તેના દ્વારા બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે. તેમાં ફસાયેલા ત્રણેય વ્યક્તિને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જેમાંથી એક પુરુષ બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યાર બાદ ત્રણેય વ્યક્તિને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
પ્રાથમિક જાણકારી અનુસાર, કાટમાળમાં ફસાયેલ ત્રણમાંથી એક મહિલા અને બે પુરુષને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં મહિલાનું નામ નીલાબેન અને એક પુરુષનું નામ રાહુલભાઈ રહેલું છે. જ્યારે બેભાન અવસ્થામાં બચાવવામાં આવેલા પુરુષને ફરજ પર હાજર રહેલા તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.