સાયલા-ચોટીલા હાઇવે પર કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, બેનું મોત, પાંચ લોકો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં કારનો ભયંકર અકસ્માત સર્જાયો છે. સુરેન્દ્રનગર સાયલા-ચોટીલા હાઇવે પર કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી છે. જેમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી રાજકોટ તરફથી આવી રહેલી ઇકો કારનું સાયલા-ચોટીલા હાઈવે પર અચાનક ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા છે. ઘટના સર્જાતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. જ્યારે પોલીસને જાણ થતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી.
જ્યારે મૃતક દંપતિ સાયલા તાલુકાના ધાંધલપુર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. આ સિવાય પાંચ ઈજાગ્રસ્તમાં ત્રણ મુંબઇના હોવાની જાણકારી મળી છે. જ્યારે આ અકસ્માતમાં વૃદ્ધ દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે. સાયલાથી સુરેન્દ્રનગર હોસ્પિટલમાં વૃદ્ધ દંપતીને રિફર કરવામાં આવ્યું હતું પરંતુ સારવાર મળે તે પહેલા રસ્તામાં જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.