રાજકોટમાં મકાનનું ચણતર કામ કરતા બે મજુરને લાગ્યો વીજશોક, એકનું મોત; એક ઇજાગ્રસ્ત
રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા ગોકુલનગર વિસ્તારમાં એક મકાનનું ચણતર કામ કામ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે મકાન ઉપરથી પસાર થનાર વીજ વાયરને સ્પર્શ કરી જતાં કડિયા કામ કરનાર મજૂરનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મજૂરને ઈજા પહોંચતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેરના ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા ગોકુલનગર વિસ્તારમાં દેવશીભાઈ બચુભાઇ વઘેરાના મકાનનું ચણતર કામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન કામ કરનાર કડિયા મુકેશ પરમાર અને અન્ય એક મજુર ઘર પરથી પસાર થઈ રહેલા 11 કેવીના વીજ વાયરને ભૂલથી સ્પર્શ કરી જતા તેમને ગંભીર રીતે વીજશોક લાગી ગયો હતો. જેમાં કડિયા મુકેશ પરમારનું ઘટના સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મજૂરને ગંભીર ઇજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ મામલામાં મકાન માલિકના ભાઈ દીપક વઘેરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મારા મોટાભાઈ દેવશીભાઈ દ્વારા મકાનનું ચણતર કામ કડિયાને સોંપવામાં આવ્યું હતું. તેમના દ્વારા વીજ વાયરથી વીજશોક ન લાગે તે માટે લાકડાના દંડા પણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં કડિયા અને મજૂર કઈ રીતે વીજ વાયરને અડી ગયા તેનો ખ્યાલ નહોતો. પરંતુ બંનેને વીજશોક લાગતા જ હું તુરંત અહીં પહોંચી ગયો અને આ દરમિયાન ભારે વીજશોક લાગતા એક કડિયાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક મજૂરને ઈજા પહોંચતા હોસ્પિટલ સારવાર લઇ જવામાં આવ્યો હતો.