રાજકોટના જેતપુરમાં બે વ્યક્તિઓને ફોટોગ્રાફી કરવી પડી ભારે ! ટ્રેનની અડફેટે આવતા એકનું મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આજના યુવાનોમાં શોર્ટ વીડિયો બનાવાનો ક્રેઝ હવે સતત વધી રહ્યો છે. એવામાં ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ મોટા ભાગના લોકો ક્રેઝ જોવા મળ્યો છે. તેમાં પણ ખાસ કરીને કોલેજમાં અભ્યાસ કરનાર યવુક અને યુવતીઓ દ્વારા રિલ્સ વધારે બનાવવામાં આવે છે. ફેમસ થવાના ચક્કરમાં યુવકો દ્વારા જોખમી વીડિયો બનાવતા હોય છે એવામાં કયારેક તો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. જ્યારે આજે આવી જ એક બાબત રાજકોટ જિલ્લાના જેતપુરથી સામે આવી છે.
રાજકોટ જિલ્લાના જેતપુર ટ્રેનના પાટા પાસે ફોટોગ્રાફી કરવી બે વ્યક્તિઓને ભારે પડી છે. કેમકે ફોટોગ્રાફી કરતા દરમિયાન બંને યુવક ટ્રેનની અડફેટે આવી ગયા હતા. તેના લીધે એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે એકને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, જેતપુર સામાકાંઠા વિસ્તારમાં આવેલ ફાટક નજીક રાજકોટ-વેરાવળ રૂટની ટ્રેન વેરાવળ તરફ જઈ રહી હતી. તે સમયે આ અક્સ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, બે પરપ્રાંતીય મજુર પાટા નજીક ફોટોગ્રાફી કરી રહ્યા હતા તે સમયે ટ્રેન આવી જતા બન્ને ટ્રેનની અડફેટે આવી એક પરપ્રાંતીય મજુરનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા ઈજાગ્રસ્ત અને મૃતકને રેલવે પોલીસ દ્વારા જેતલસર જંકશન લઈ જવામાં આવ્યા હતાં. હાલમાં ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારજનોની શોધખોળ પોલીસ દ્વારા શરુ કરવામાં આવી છે.