GujaratSouth GujaratValsad

વલસાડમાં ઘરમાં ઘૂસી ગયેલા દીપડાએ બે મહિલાઓ પર કર્યો હુમલો, વન વિભાગની ટીમ થઈ દોડતી

વલસાડના વેલવાચ નામના ગામે 2 મહિલા ઉપર માનવભક્ષી દિપડાએ જીવલેણ હૂમલો કરી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જોકે ગામ લોકો જ્યારે ભેગા થયા ત્યારે તેમણે દીપડાને ભાગતા જોયો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલ મહિલાઓને તાત્કાલિક અસરથી ધરામપુરની સાઈનાથ હોસ્પિટલમાં સારવાર માટે  ખસેડયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના તાલુકા ખાતે આવેલ વેલવાચ નામના ગામના કુંડી ફળિયું ફળિયાં ખાતે વસવાટ કરતા મુકેશભાઈ જશવંતભાઈ પટેલ અને તેમની પત્નિ મનીષાબેન બંને કામ અર્થે  સાસરે ગયા હતા. ત્યાંથી તેઓ ઘરે પરત આવતા મનીષાબેનની પુત્રી નિરાલી ઘરના પાછળના રૂમમાં ગઈ ત્યારે તેણે રૂમમાં ભરાઈ રહેલો દીપડો જોતા જ બુમાબુમ કરી મૂકી હતી. મનીષાબેનને લાગ્યું કે સાપ આવ્યો હશે એટલે તેઓ છોકરીને બોલાવીને રૂમનો દરવાજો બંધ કરવા જઇ રહ્યા હતાં તે દરમિયાન દીપડાએ મનીષાબેન ઉપર જીવલેણ હુમલો કરીને મનીષાબેનને પીઠના ભાગે દીપડાએ બચકું ભર્યું હતું. તેથી મનીષાબેને જોર જોરથી બુમાબૂમ કરી મુકતા દીપડાએ ત્યાં નજીકમાં બેસેલી એક વૃદ્ધા ઉપર પણ જીવલેણ હુમલો કર્યો હતો.

નોંધનીય છે કે, દીપડાએ હુમલો કરતા મહિલાએ જોર જોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે તે લોકોએ દીપડાને ભાગતા જોયો હતો. ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક અસરથી ઘાયલ થયેલ મહિલાઓને સારવાર માટે ધરમપુરની સાઈનાથ હોસ્પિટલમાં ખસેડયા હતા. તેમજ વન વિભાગની ટીમને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે આ ઘટનાને પગલે વનવિભાગની ટીમ પણ દોડતી થઈ હતી.