×
Gujarat

આપ-ઘાત ન કરવાનું માર્ગદર્શન આપતા ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે કુદી જીવન ટુંકાવ્યું, આરોપ ચોંકાવનારો

વલસાડ જિલ્લાના ઉમરગામમાં મામલતદાર દલપતભાઈ છોટુભાઈએ ગત મોડી રાત્રે ઉમરગામ રેલવે સ્ટેશન પાસે ટ્રેન સામે ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ કરુણ ઘટના રાત્રે આશરે 11:40 વાગ્યે બની હતી. મહત્વની વાત એ છે કે તેઓ હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની કામગીરીને લઈને ભારે વ્યસ્ત હતા.

માહિતી મુજબ, રેલવે સ્ટેશનના ઉત્તર છેડે સુતર તરફ જતી ટ્રેન સામે તેમણે અચાનક ઝંપલાવ્યું હતું. રેલવે કિમી નંબર 144 પાસે GRP (સરકારી રેલવે પોલીસ)ને તેમનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળ્યો હતો. ટ્રેનની જોરદાર અડફેટે આવતા શરીરના ભાગો છિન્નભિન્ન થઈ ગયા હતા.

આ આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. GRPએ મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. પરિવારજનોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે જેથી સમગ્ર ઘટનાની પાછળનું સત્ય બહાર આવી શકે.

જાગૃતિ ફેલાવનાર અધિકારીનું આકસ્મિક પગલુંદલપતભાઈ અગાઉ અનેક મંચો પરથી લોકોને હતાશામાં આવીને આપઘાત ન કરવા અને હિંમત રાખવા પ્રેરિત કરતા હતા. તેમના આકસ્મિક નિધનથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે તેમની અંતિમયાત્રામાં હાજરી આપી હતી અને જણાવ્યું હતું કે દલપતભાઈ એક નિષ્ઠાવાન અને લોકપ્રિય અધિકારી હતા, જેમના અવસાનથી મોટી ખોટ પડી છે. આ ઘટનાને લઈને ચર્ચાઓ છે કે સરીગામ બેઠકના એક અપક્ષ ઉમેદવારનું નામંજૂર ફોર્મ મુદ્દે મામલતદાર પર ભારે દબાણ કરવામાં આવી રહ્યું હતું. કાયદાકીય રીતે ફોર્મ રદ ન થઈ શકે તેવી સ્થિતિમાં તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ધમકીઓ આપવામાં આવતી હતી કે ફોર્મ રદ નહીં કરવામાં આવે તો નોકરીમાંથી હટાવી દેવાશે અથવા સ્વેચ્છિક નિવૃત્તિ માટે દબાણ કરવામાં આવશે. જોકે, આ તમામ બાબતો અંગે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે.