સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર અજાણ્યા શખ્સોએ કર્યો પથ્થરમારો
રામ ભક્તો માટે સરકાર દ્વારા હાલ ખાસ આસ્થા ટ્રેન શરુ કરવામાં આવી છે. સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન શરૂ કરાઈ છે. આ ટ્રેન ગત રોજ સાંજના 8 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી ઉપડી હતી. તેના થોડા સમય બાદ ટ્રેન નંદુરબાર નજીકથી રાત્રી 10.45 કલાકના પસાર થઈ હતી. તે દરમ્યાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
જ્યારે ટ્રેન પર સતત પથ્થરમારો થતા મુસાફરોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો. કેટલાક યાત્રીઓ દ્વારા પથ્થરોથી બચવા માટે બારીના કાચ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક પથ્થરો બારીના કાચ તોડી ટ્રેનની અંદર આવી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. તેમ છતાં આ પથ્થરમારામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું નથી.
આ મામલામાં રેલવે પોલીસના એપીઆઈ રમેશ વાવરે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ટ્રેનમાં બેઠેલા એક મુસાફર દ્વારા ફોન પર જણાવવામાં આવ્યું હતું કે, અમે ટ્રેનમાં બેઠેલા હતા ત્યારે અચાનક જ ટ્રેન પર પથ્થરો અથડાવવાનો જોર જોરથી અવાજ આવવાનો શરુ થઈ ગયો હતો. એવામાં અંધારૂ હોવાના લીધે પથ્થર કોણ મારી રહ્યું હતું તે કંઈ જોવા મળ્યું નહોતું. જ્યારે સિગ્નલ ન હોવાના લીધે ટ્રેન પણ ધીમી પડી હતી. આ મામલામાં મુસાફરો દ્વારા ફરિયાદ કરતા નંદુરબાર રેલવે સ્ટેશન પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક આવી ગયા હતા. જ્યારે આ મામલાની પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.