VadodaraGujarat

વડોદરાના બોટ દુર્ઘટના : DEO એ ન્યૂ સનરાઈઝ સ્કૂલને પાઠવી નોટિસ, પ્રવાસની મંજૂરી લઈને ખુલાસો માગ્યો

હરણી બોટ દુર્ઘટનાને લઈને સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તેને લઈને સતત નવી-નવી જાણકારી સામે આવી રહી છે. ત્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, DEO દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે. સ્કૂલ પાસે પ્રવાસની મંજૂરી અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. પ્રવાસ માટે કેમ પરવાનગી ન લીધી તેનો જવાબ માંગવામાં આવ્યો છે. જ્યારે અઠવાડિયામાં જવાબ આપવા માટે આદેશ આપવા આવ્યો છે. પ્રવાસ અંગે DEO કચેરીને અંધારામાં રાખનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ આ તરફ દુર્ઘટના બાદ વાલીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. અન્ય શાળાના વાલીઓ બાળકોને પ્રવાસે મોકલવામાં ભય અનુભવી રહ્યા છે. અન્ય શાળાઓના પ્રવાસના આયોજનો સતત રદ્દ કરવામાં આવી રહ્યા છે.

હરણી તળાવમાં સર્જાયેલ દુર્ઘટનામાં હરણી પોલીસ દ્વારા મેસર્સ કોટિયા પ્રોજેક્ટના 15 ભાગીદારો સહિત કુલ 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી છ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે બીજા આરોપીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વડોદરા બોટ કાંડને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાન પર 7 સભ્યોની SIT ની રચના કરવામાં આવી છે. આ તપાસ માટે ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામા SIT ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. તેની સાથે વડોદરા DCP પન્ના મોમાયા અને DCP ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી, ACP ક્રાઇમ એચએ રાઠોડ તપાસ અધિકારી, હરણી પોલીસ સ્ટેશનના PI સીબી ટંડેલ સભ્ય, ક્રાઇમ બ્રાન્ચના PI એમએફ ચૌધરી સભ્ય અને ક્રાઈમ બ્રાન્ચના PSI પીએમ ધાકડાનો સભ્ય તરીકે SIT ની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકોઅને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે. વાઘોડીયાની સનરાઇઝ સ્કૂલના બાળકો રહેલા હતા. જ્યારે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે  બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા.