VadodaraGujarat

સુરસાગર તળાવમાં કંપનીએ સહેલાણીઓને સેફ્ટી જેકેટ વગર બોટિંગ કરાવતા વડોદરા મ્યુનિ. કમિશનરે બોટિંગનો કોન્ટ્રાક્ટ કર્યો રદ

વડોદારા શહેરના હરણી મોટનાથ તળાવ હોડી દુર્ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરસાગર તળાવમાં બોટિંગ માટે શ્રી હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયર્સને આપેલ કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. વડોદરા કોર્પોરેશન દ્વારા 7 વર્ષ માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો. પરંતુ, કંપની દ્વારા હરણી લેકની દુર્ઘટના પછી પણ શરતોનું પાલન ન કરતા કોન્ટ્રાક્ટ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે, એક વર્ષ અગાઉ સુરસાગર તળાવમાં બોટિંગ શરૂ કરાયું હતું. તાજેતરમાં સહેલાણીઓને આ કંપની દ્વારા સેફટી જેકેટ વગર જ બોટિંગ કરાવવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં તા. 26-9-22 થી 7 વર્ષ માટે શરતોને આધિન બોટિંગ શરૂ કરવા માટે શ્રી હાઇડ્રો ડાઇવર્સ એન્ડ એન્જિનિયર્સને કોન્ટ્રાક્ટ અપાયો હતો. તેમ છતાં હરણી મોટનાથ તળાવ માં બનેલી દુર્ઘટના બાદ પણ કંપનીએ નિયમોનું પાલન કર્યું નહોતું. તાજેતરમાં ચાર-પાંચ સહેલાણીઓને સેફ્ટી જેકેટ વગર બોટિંગની સફર કરાવવાની વિગતો મ્યુનિસિપલ કમિશનરના ધ્યાનમાં આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી કંપની નો કોન્ટ્રાક્ટ રદ કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, વડોદરા ના મધ્યમાં આવેલ સુરસાગરમાં 31 વર્ષ અગાઉ બનેલી હોડી દુર્ઘટનામાં 22 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં હતા. આ ઘટના બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા અનેક વખત બોટિંગ શરૂ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમ છતાં કાનૂની કાર્યવાહી ના લીધે બોટીંગ શરૂ કરવામાં આવ્યું નહોતું. અંતે એક વર્ષ અગાઉ બોટીંગ શરુ કરાયું હતું.