
વડોદરાથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. વડોદરામાં છેતરપિંડીના કેસમાં નાસી ગયેલ આરોપી સાધુના વેશમાં ફરવા લાગ્યો હતો. જ્યારે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 18 વર્ષે ચાણોદ ખાતે તે આવતા ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરાના ન્યુ સમારોડ વિસ્તારમાં કે. કે. મોટર્સ નામની એજન્સી શરૂ કરનાર ચંદ્રકાંત પટેલ તેમજ તેના સાગરીત દ્વારા વર્ષ 2006 માં એક યુવકને ટાન્ઝાનિયા મોકલવા માટે બે લાખ રૂપિયા પડાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, આરોપીઓ યુવકને મુંબઈ એરપોર્ટ પર બોલાવવામાં આવ્યા બાદ તે ગુમ થઈ ગયા હતા અને ત્યારબાદ મોબાઈલ પણ બંધ કરી નાખ્યા હતા. તેના લીધે યુવક વિદેશ જઈ શક્યો નહોતો અને તેણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. એવામાં ચંદ્રકાંત પરસોત્તમ પટેલ ચાણોદ ખાતે આવવાની જાણકારી ક્રાઈમ બ્રાન્ચને મળતા વોચ રાખવામાં આવી તેને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેની સાથે પોલીસની પૂછપરછમાં આરોપી દ્વારા કબૂલવા માં આવ્યું હતું કે, આ બનાવ બન્યો તે સમયે તેની માતાની મિલકત સંબંધીઓ દ્વારા પડાવી લીધી હોવાના લીધે તેને સંસારનું ત્યાગ કરવાનું નક્કી કરી લીધું હતું. ત્યાર બાદ તે ભારત ભ્રમણ માટે નીકળી ગયો હતો. છેલ્લા થોડા સમયથી કલકત્તા ખાતે રૂમ ભાડે રાખીને રહી રહ્યો હતો. ચાણોદ ખાતે એક આશ્રમમાં કામ માટે આવતા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

