AhmedabadGujarat

રવિવારે બહાર જતા પહેલા સો વખત કરજો વિચાર, વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી

ગઈ કાલે શનિવારના રોજ બપોરના સમય પછી રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદને પગલે લગભગ અડધું ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે. જામનગર, જુનાગઢ, નવસારી અને વલસાડ જિલ્લાઓની હાલત  બદતર બની છે. તો અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે બપોર પછી પડેલા વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જો કે, ગઈ કાલે આટલો બધો ધોધમાર વરસાદ પડ્યા પછી પણ આજે રવિવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજનો દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર માટે  અત્યંત ભારે છે. તો ગાંધીનગર અને અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 24 જુલાઈ સોમવાર પછી વરસાદનું જોર ઘટશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજનો દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર માટે ભારે છે. દ્વારકા, જૂનાગઢ, કચ્છ અને જામનગરમાં તો હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સુરત, નવસારી અને વલસાડ માટે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તો આજે અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર, રાજ્યના 246 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ 12 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં ખાબક્યો હતો. આ સાથે જ રવિવારને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 23-24 તારીખના રોજ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં હાલ થઈ રહેલા ભારેથી અતિભારે વરસાદનું કારણ પૂર્વ-પશ્ચિમ ટ્રોફની સાથો સાથ મોનસૂન ટ્રોફ પણ છે.