AhmedabadGujarat

અકસ્માત સમયે કેટલી સ્પીડમાં હતી તથ્ય પટેલની કાર? જેગુઆર કંપનીના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો..

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે હવે આ ઘટનાનો આરોપી તથ્ય પટેલને લઈને સતત નવા-નવા ખુલાસો થઈ રહ્યા છે. જેગુઆર કંપનીના દ્વારા તથ્યની કારની અકસ્માત દરમિયાન કેટલી સ્પીડ હતી તેને લઈને મોટો ખુલાસો કર્યો છે.

અમદાવાદમાં આવેલા ઈસ્કોન બ્રિજ પર 20 જુલાઈના રોજ તથ્ય પટેલ દ્વારા 142થી વધુ કિમીની ઝડપે જેગુઆર કાર ચલાવીને અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત દરમિયાન તથ્ય પટેલની કારની સ્પીડ કેટલી હતી તેને લઈને જેગુઆર કંપની દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેગુઆર કંપનીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ગાડીની સ્પીડ 137 કિમીથી વધુ રહેલી હતી અને અકસ્માત સર્જયા બાદ કાર 108 Km ની સ્પીડથી લોક થઈ હતી.

તેની સાથે તથ્યની આ કારનો જેગુઆર કંપનીનો રિપોર્ટ યુકેથી આવ્યો છે. આ રિપોર્ટ મુજબ અકસ્માત સમયે તથ્યએ ગાડી પર બ્રેક મારી નહોતી. તથ્યની સ્પીડ પણ લિમિટ કરતા ખુબ વધુ રહેલી હતી. કંપનીની તપાસમાં પણ કારની સ્પીડ વધુ હોવાની જાણકારી સામે આવી ગઈ છે.

આ સિવાય અમદાવાદ પોલીસને સાક્ષીઓ પાસેથી મળેલી જાણકારી અનુસાર 20 જૂનથી લઈને 20 જુલાઈ વચ્ચે તથ્ય સાથે જોડાયેલા સ્થાનોનું મેપિંગ કરવામાં આવ્યું હતું. તેમાં તથ્ય વિવિધ સ્થાનો પર મોંઘી કાર વધુ સ્પીડથી ચલાવતો જોવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસના એક અધિકારી મુજબ, સીસીટીવી ફૂટેજથી જાણકારી મળી છે કે, તે એસજી રોડ, સિંધુ ભવન રોડ, એસપી રિંગ રોડ અને શહેરના અન્ય રસ્તાઓ પર 120 કિમી પ્રતિ કલાકથી લઈને 140 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતો રહેતો હતો.

જ્યારે પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, તથ્ય પટેલ દ્વારા એક મહિનામાં પાંચ વખત રેડ લાઇટનો ભંગ પણ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યચકિત વાત એ છે કે, નિયમોનો ભંગ કરવા છતા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ સિવાય એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, જેગુઆરની ગતિ અકસ્માત સમયે 140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેલી હતી.