BjpIndiaPoliticsRajasthan

કોણ છે ભજનલાલ શર્મા, જેમને ભાજપે રાજસ્થાનના નવા સીએમ બનાવ્યા

Who is Bhajanlal Sharma?

રાજસ્થાન સહિત સમગ્ર દેશના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે નામ સામે આવ્યું છે. તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા ભારતીય જનતા પાર્ટીએ ભજનલાલ શર્માને રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ આવ્યા હતા. ત્યારપછીથી વસુંધરા રાજે, બાબા બાલકનાથ સહિત વિવિધ નેતાઓને સીએમ પદની રેસમાં ગણવામાં આવી રહ્યા હતા. જો કે આ તમામને હરાવીને સીએમ પદ માટે ભજનલાલ શર્મા (Bhajanlal Sharma)નું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.

Bhajanlal Sharma રાજસ્થાનની સાંગાનેર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમના રાજ્ય મહાસચિવનું પદ પણ સંભાળી રહ્યા હતા. 56 વર્ષીય ભજનલાલ શર્મા, જેઓ ભરતપુરના રહેવાસી છે, તેઓ બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. ખાસ વાત એ છે કે તેઓ 2023માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય બન્યા છે. ભજનલાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે.

જયપુરમાં રાજનાથ સિંહના નેતૃત્વમાં ત્રણ નિરીક્ષકો દ્વારા વિધાનસભાની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યોએ ભજનલાલ શર્માને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ વસુંધરા રાજેએ ખુદ નવા મુખ્યમંત્રી તરીકે ભજન લાલ શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો છે.

ભજનલાલ શર્માના રૂપમાં નવા સીએમની જાહેરાત બાદ હવે વસુંધરા રાજેએ રાજ્યમાંથી વિદાય લીધી છે. રાજે બે વખત રાજ્યના સીએમ પદ સંભાળી ચુક્યા છે. ભાજપ દ્વારા પહેલાથી જ સંકેત આપવામાં આવ્યા હતા કે પાર્ટી સીએમ પદની કમાન નવા ચહેરાને સોંપી શકે છે. આ કારણોસર વસુંધરા આ વખતે સીએમ નહીં બને તે નિશ્ચિત માનવામાં આવતું હતું.