GujaratSaurashtra

પરિક્ષામાં ધીમું લખતા શિક્ષકે આપી એવી આકરી સજા કે…

ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ એક ઈંગ્લીશ મીડિમની શાળામાં જુનિયર કેજીમાં ભણી રહેલા એક માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવામાં આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક એવા આહવા ખાતે આવેલ દીપદર્શન ઈંગ્લીશ મિડિયમની શાળામાં એક માસૂમ બાળકને શિક્ષિકાએ ઢોર માર મારવાનો મામલો સામે આવતા સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ શાળામાં જુનિયર કેજીમાં ભણતો 5 વર્ષની ઉંમરના સમર્થકુમાર અરૂણ સોનવણેને અંગ્રેજી વિષયની પરીક્ષામાં ધીમુ લખવા જેવી સાવ નજીવી ભૂલને લઈને શિક્ષકે આકરી સજા આપી છે.

ઉલ્લેખનીય છે કે, બાળકને ઢોર માર મારતા તેના શરીરે લાલ નિશાન પણ પડી ગયા હતા. જોકે બાળકે આ ઘટનાની જાણ ઘરે આવી તેના માતાને કરતા માતા-પિતા આ મામલે શાળામાં દોડી ગયા હતા. પરંતુ શાળા સંચાલકોએ માતાપિતાને દબાણ કરતા કહ્યું કે જો તમે કેસ કરશો તો અમે તમારા બાળકને નાપાસ કરી દઈશું તેવી એક પ્રકારે ધમકી આપી હતી. ત્યારે શાળા સંચાલકોની આ પ્રકારની ધમકીને પગલે માતા પિતા નિ:સહાય બન્યા હતા.

નોંધનીય છે કે, જુનિયર કેજીમાં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીને ઢોર માર માર્યાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી વી.ડી.દેશમુખ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે તાત્કાલિક અસરથી શાળામાં દોડી ગયા હતા. ત્યારે હાલ તો જવાબદાર શાળાનાં સંચાલકો તેમજ આ રીતે માસૂમ બાળકને માર મારનાર શિક્ષિકા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.