×
GujaratSouth GujaratSurat

સુરતમાં પ્રેમ લગ્નના 5 મહિનામાં જ 28 વર્ષીય યુવતીએ સાસરીયાના ત્રાસથી કંટાળી જીવન ટુંકાવ્યું

સુરતના પુણાગામ વિસ્તારમાંથી એક હૃદયવિદારક ઘટના સામે આવી છે. પ્રેમલગ્નના માત્ર પાંચ મહિનામાં જ 28 વર્ષીય પરિણીતાએ સાસરી પક્ષના સતત માનસિક ત્રાસ અને મેણા-ટોણાથી કંટાળીને પોતાના પિયરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. મૃતકના માતાની ફરિયાદના આધારે પુણા પોલીસે પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કડીયાળી ગામના અને હાલ સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા મંજુબેન ગુજરીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની મોટી દીકરી આશાબેને 2 ડિસેમ્બર 2025ના રોજ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ સારોલીના કુંભારીયા ગામના રહેવાસી નિરવ રાઘવભાઈ બલદાણીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ આશાબેન પતિ નિરવ, સાસુ ગીતાબેન અને સસરા રાઘવભાઈ સાથે રહેતા હતા.

પરંતુ લગ્નના થોડા જ સમયમાં આશાબેનને સાસરી પક્ષ તરફથી માનસિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. ફરિયાદ મુજબ, પતિ અને સાસરીયાઓ દ્વારા સતત મેણા-ટોણા અને ત્રાસ આપવામાં આવતો હતો.આશાબેનની તબિયત બગડતા તેમને એક સમયે પરમ હોસ્પિટલના ICUમાં દાખલ કરવાની નોબત આવી હતી. હોસ્પિટલમાં તેમણે પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે સાસરી પક્ષના માનસિક ત્રાસના કારણે તેઓ ગંભીર રીતે તૂટી ગયા છે. હોસ્પિટલમાંથી ઘરે પરત આવ્યા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો.

આશરે અઢી મહિના પહેલાં આશાબેનનો ભાઈ તેમને સાસરીમાંથી પિયરે લઈ આવ્યો હતો. જોકે પતિ નિરવના દબાણ અને ફોન કોલ્સને કારણે તેઓ ફરી સાસરી પરત ગયા હતા. બાદમાં ફરીથી ઝઘડાઓ વધતા નિરવ આશાબેનને કપડાં સાથે પિયરમાં મૂકી ગયો હતો.પરિવારના જણાવ્યા મુજબ, પિયરમાં આવ્યા બાદ પણ નિરવ સતત ફોન કરી ઘરે પરત આવવા માટે દબાણ અને ધમકીઓ આપતો હતો, જેના કારણે આશાબેન સતત ડરના માહોલમાં જીવતા હતા.

ઘરમાં એકલા હતા ત્યારે ભર્યું આ પગલું

25 મે 2026ના રોજ બપોરે આશાબેનને તેમના પતિનો ફોન આવ્યો હતો અને પોલીસ સ્ટેશન આવી સહી કરવાની વાત કહી હતી. ત્યારબાદ સાંજે આશાબેનની માતા અને નાની બહેન શાકભાજી લેવા બહાર ગયા હતા. જ્યારે તેઓ સાંજે ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો. અંદર જઈને જોતા આશાબેન રૂમમાં છતના પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં પુણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે આશાબેનને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપસર પતિ નિરવ રાઘવભાઈ બલદાણીયા, સાસુ ગીતાબેન અને સસરા રાઘવભાઈ વિરુદ્ધ BNSની કલમ 108, 85 અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.