GujaratMadhya Gujarat

કચ્છમાં જેલની અંદર છ લોકો દારૂની મહેફિલ માણતા મામલામાં કાર્યવાહી, જેલના પાંચ પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ

કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં થયેલી દારૂ મહેફીલ મામલામાં કાયર્વાહી કરવામાં આવી છે. આ મામલામાં જેલના પાંચ અધિકારી, કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના આદેશ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ગળપાદર જેલ ના અધિકારીઓ સહીત જેલ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં ગળપાદર જેલ ના ઇન્ચાર્જ અધિક્ષક, ઇન્ચાર્જ જેલર, જમાદાર તેમજ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ મામલામાં જણાવી દઈએ કે, પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચનાના આધારે પોલીસ કાફલા દ્વારા મધરાતે જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દારૂ પીધેલી હાલતમાં છ કેદીઓ જોવા મળ્યા હતા. તેના સિવાય દરોડા દરમિયાન પોલીસ ને દારૂની બોટલો, મોબાઈલ ફોન અને બિનવારસી હાલતમાં રોકડા 50 હજાર પ્રાપ્ત થયા હતા. આ તમામ વસ્તુઓને જપ્ત કરીને આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દ્વારા જેલમાં કરવામાં આવેલ સરપ્રાઈઝ ચેકીંગમાં મનોજ ઉર્ફે પકાડો કાનજીભાઈ માતંગ, રોહિત ગોવિંદભાઈ ગરવા (મારાજ), શિવભદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ હરજીભાઈ મહેશ્વરી, રોહિતસંગ ઉર્ફે સોનુ રામપ્રસાદસંગ ઠાકુર અને યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા આ તમામા દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ છ કેદીઓ વિરૂદ્ધ કેફી પીણું પીવા સબબ પ્રોહી કલમ-66 (1)(B) અનુસાર અલગ-અલગ ગુનાઓ દાખલ કરાયા છે.