North GujaratGujaratMehsana

કબૂતરબાજીથી 55 લાખમાં અમેરિકા મોકલનાર મહેસાણાના દંપતિની ધરપકડ

કબૂતરબાજીથી અમેરિકામાં ઘૂસાડવાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ મામલાને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. આ મામલામાં મહેસાણાના એજન્ટ દંપતીની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ દંપતી દ્વારા એક યુવકને અમેરિકા ગેરકાયદેસર રીતે મોકલવા માત્ગે 55 લાખમાં સોદો કરી 10 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. બાકીના 45 લાખ યુવક અમેરિકા પહોંચે ત્યાર બાદ આપવાના હતા. પરંતુ 3 મહિના દુબઈમાં રહ્યા બાદ યુવકને પરત આવવું પડ્યું હતું. સીઆઈડી ક્રાઇમને કબૂતરબાજી કૌભાંડમાં આ દંપતીની સંડોવણીની જાણકારી મળતા મહેસાણાથી તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 24 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા એજન્ટ પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

નોધનીય છે કે, ચાર્ટર્ડ ફ્લાઇટમાં ગુજરાતના 66 સહિત 303 લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જતી એક ફ્લાઇટ ફ્રાંસમાં રોકી દેવાઈ હતી. ત્યાર બાદ આ તમામ લોકોને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. ગુજરાતના 66 પેસેન્જરોની પૂછપરછ પરથી સીઆઈડી ક્રાઇમને કબૂતરબાજીનું નેટવર્ક ચલાવનાર લોકોને જાણકારી મળી હતી. આ કેસમાં પોલીસ દ્વારા 14 એજન્ટ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.