મેળામાં લોકો મોજ મસ્તી અને ફ્રેશ થવા માટે જતા હોય છે. પરંતુ ઘણી વખત આવા મેળાઓમાં દુર્ઘટના સર્જાતા કોઈનું મોત નીપજ્યું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવું જ કંઈક બોટાદમાં સામે આવ્યું છે. જ્યાં આનંદ મેળામાં ગયેલા એક 10 વર્ષની ઉંમરના માસુમ બાળકનું કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 10 વર્ષનો માસુમ વંશ હિરાણી ગત રોજ બોટાદના આનંદ મેળામાં ગયો હતો. તે દરમિયાન તે ચકડોળની પાસે એક લોખંડનો થાંભલો નાખેલો હતો ત્યાંથી તે પસાર થઈ રહ્યો હતો. વંશ હિરાણીએ આ થાંભલો પકડી લેતા તે ત્યાં જ ચોંટી ગયો હતો. ત્યારે વંશ હિરાણી પર લોકોનું ધ્યાન જતા લોકોએ તેને વીજ કરંટથી જુદો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે વંશ હિરાણીનું મોત નીપજ્યું હતું.
નોંધનીય છે કે, વંશના પિતા અશોક હિરાણીએ આ ઘટનાને પગલે મેળાના સંચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે અમારા દીકરાનું મોત નીપજ્યું છતાં પણ અહીં મેળો ચાલી રહ્યો છે. જવાબદારો લોકો વિરુદ્ધ યોગ્ય અને કડક પગલાં ભરાવવા જોઈએ.
તમને જણાવી દઈએ કે, આ ઘટનાને પગલે પોલીસ તત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને વંશના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા માટે હોસ્પિટલ ખાતે ખસેડીને આ સમગ્ર વધુ કાર્યવાહી હાથ ધરી હતી.