South GujaratGujaratSurat

સુરતમાં પીએમ આવાસમાં મકાન અપાવાને બહાને છેતરપીંડી, ૭૮ લોકો પાસેથી ૧૨.૬૦ લાખ પડાવ્યા

સુરત શહેર થી એક છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં ઘરના ઘરનું સપનું બતાવી છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, સુરતના ઉધના ત્રણ રસ્તા નજીક આવેલ વશી કોલોનીમાં પતરાની ઓફિસ બનાવી બેસનાર શ્રમજીવી દ્વારા લોકોને પ્રધાનમંત્રી આવાસ માં મકાન આપવા નાં સપના બતાવી ને 79 જણા પાસેથી 12.60 લાખની રકમ પડાવી લેવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.

સુરતના ઉધના પોલીસ માં કરવામાં આવેલી અરજીના આધારે પોલીસ દ્વારા 62 વર્ષીય પંચાનંદ પ્રધાનની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બાબતમાં પોલીસ દ્વારા ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરીયા બિસોઈ ની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી દ્વારા ઉધના ત્રણ રસ્તા પાસે વશી કોલોનીમાં ઓફિસ ખોલવામાં આવી હતી. તેમાં પણ ખાસ કરીને ઓડિશાસીઓને ફસાવવામાં આવ્યા હતા. આ કેસમાં હજુ પણ ઘણા ફરિયાદીઓ સામે આવે તેવી શક્યતા રહેલી છે.

તમને જણાવી દઈએ કે, આરોપી ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરીયા બિસોઈ દ્વારા મકાન માટે શરૂઆતમાં 10 હજાર બાદમાં 4 હજારની ચોપડી બનાવવાનું અને મકાન મળી જાય તે સમયે 60 હજાર ભરવા નું જણાવવામાં આવ્યું હતું. ફરિયાદી પંચાનંદ દ્વારા પોતાના નામે અને એક દીકરીના નામે મકાન લેવાનું નક્કી કરી તેને 20 હજાર આપવામાં આવ્યા હતા. આવી જ રીતે અન્ય 78 લોકો પાસેથી પણ પ્રધાનમંત્રી આવાસ માં મકાન અપાવવાનું સપનું બતાવી ઉપેન્દ્ર બિસોઈએ લાખોની રકમ પડાવી હતી. ઉપેન્દ્ર બિસોઈ દ્વારા વર્ષ 2013 થી વર્ષ 2015 વચ્ચે આ સમગ્ર  છેતરપિંડી કરવામાં આવી હતી.