PM મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે આ એલાન કરી શકે છે
દેશમાં કોરોના વાયરસના રોગચાળાના કેસો વધી રહ્યા છે અને દેશમાં લાગુ કરાયેલ 21 દિવસનો લોકડાઉન સમયગાળો આવતીકાલે મંગળવારે સમાપ્ત થઈ રહ્યો છે. દરેકના મનમાં લોકડાઉન વિશે પ્રશ્નો છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે દસ વાગ્યે આ મુદ્દે રાષ્ટ્રને સંબોધન કરશે. પોતાના સંબોધનમાં વડા પ્રધાન લોકડાઉન અંગેની નવીનતમ માહિતી આપી શકે છે.
વડા પ્રધાન કાર્યાલયના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ ચોથી વખત હશે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસના મુદ્દે દેશ સાથે સીધા વાતચીત કરશે. અગાઉ તેમણે જનતા કર્ફ્યુ સમયે, 21 દિવસના લોકડાઉન સમયે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને ત્યારબાદ દીવો સળગાવવાની અપીલ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 21 દિવસીય લોકડાઉનની જાહેરાત કરી હતી, જે 25 માર્ચથી શરૂ થવાની હતી અને 14 એપ્રિલ સુધી અમલમાં રહેશે. હવે 14 એપ્રિલ નો દિવસ આવી ગયો છે, તેથી દરેકના મગજમાં સવાલ એ છે કે શું સરકાર આ લોકડાઉન વધારશે. જેના કારણે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પડદો ઉંચકશે.
જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી દેશમાં લોકડાઉન વધારશે જ એવી પુરી શક્યતાઓ છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પૂર્વે અનેક રાજ્ય સરકારોએ લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. પંજાબ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોએ 30 એપ્રિલ સુધીમાં લોકડાઉન લંબાવાનો નિર્ણય કર્યો હતો. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી, જેમાં લોકડાઉન અંગે ચર્ચા થઈ હતી.
અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ એ પીએમ મોદીને લોકડાઉન ન હટાવવા જણાવ્યું હતું. કોરોના ના કેસ હજુ પણ વધી રહયા છે ત્યારે લોકડાઉન વધશે તે નક્કી છે. પણ એક શક્યતા એ પણ છે કે જ્યાં કોરોના ના કેસ છે જ નહીં અથવા ઓછા છે ત્યાં લોકડાઉનમા આંશિક રાહત અપાશે. મહારાષ્ટ્રમાં પણ ઉદ્ધવ ઠાકરે સરકારે 3 ઝોનમાં લોકડાઉન કર્યું છે જેમાં રેડ ઝોનમાં લોકડાઉનમા કોઈ જ રાહત નથી આપવામાં આવી.