GujaratAhmedabad

અમદાવાદ એએમટીએસ નું 641 કરોડનું વાર્ષિક બજેટ રજૂ, અનેક મહત્વના કરાયા સુધારા

અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ના માર્ગો પર ફરી એક વખત ડબલ ડેકર બસો ફરતી જોવા મળવાની છે. શહેરમાં સાત ડબલ ડેકર બસ ચાલવાના સમાચાર સામે આવ્યા છે. કોર્પોરેશનના એએમટીએસના ૬૪૧ કરોડના બજેટમાં આ અંગેની દરખાસ્ત કરવામાં આવી છે. એવામાં હવે અમદાવાદમાં ડબલ ડેકર બસ જોવા મળવાની છે.

જાણકારી મુજબ, સાત ડબલ ડેકર માંથી એક ડબલ ડેકર બસ ટૂંક સમયમાં શરૂ કરી દેવાની પણ તૈયારી કરી લેવામાં આવી છે. એએમટીએસના ડ્રાફ્ટ બજેટ ની અન્ય મુખ્ય બાબતો પર નજર કરવામાં આવે તો આવનારા સમયમાં એએમટીએસમાં થી તમામ ડીઝલ બસોને દૂર કરી નાખવામાં આવશે.

તેની સાથે સિટી બસના દરેક બસ ટર્મિનસ પર પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ મૂકાશે. તેના સિવાય ટર્મિનસ પર ક્યૂઆર કોડ હશે જેને સ્કેન કરવાથી બસોના રૂટ અંગેની જાણકારી પ્રાપ્ત થઈ જશે. જ્યારે બહારગામથી એસટી બસમાં આવતા મુસાફરોની સુવિધા માટે પ્‍લોટ મેળવી બસ પોર્ટ ઉભા કરવાની પણ વિચારણા કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, શહેરના માર્ગો પર દરરોજ ની 1 હજાર 20 બસો દોડાવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાંથી ૮૯પ બસો ખાનગી ઓપરેટરની રહેવાની છે. જ્યારે એમપી, એમએલએ ની ગ્રાન્ટ માંથી શહેરમાં ત્રણસો નવા બસ શેલ્ટર બનાવવાનો પણ ડ્રાફ્ટ બજેટ માં વિચાર મુકવામાં આવ્યો છે. શહેરના મેમનગર, અખબારનગર અને આરટીઓ ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.