ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખ નું કોરોના ને કારણે નિધન, SVP હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ

અમદાવાદ સહીત રાજ્યમાં કોરોના વાયરસ હવે બેકાબુ બની રહ્યો છે. કોરોના વાયરસે પોલિકર્મીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓને પણ શિકાર બનાવ્યા છે ત્યારે હવે એક મોટા નેતાનો પણ ભોગ લીધો છે.  AMCમાં વિપક્ષના પૂર્વ નેતા અને કોંગ્રેસના બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખ નો રિપોર્ટ થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ  તેમની SVP હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી.બદરુદ્દીન શેખની તબિયત લથડતા છેલ્લા કેટલાક દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. ગત મોડી રાત્રે બદરુદ્દીન શેખ કોરોના સામે હારી ગયા અને SVP હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

મળતી માહિતી મુજબ બદરુદ્દીન શેખને બ્લડપ્રેશર અને શુગરની તકલીફ  હતી. આ સાથે જ કોરોના સંક્રમિત થવાથી તકલીફ ખુબ વધી ગઈ હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. બાદમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગત મોડી રાત્રે તેમનું નિધન થયાના સમાચાર આવતા જ તેમના વિસ્તાર તેમજ ગુજરાત કોંગ્રેસમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી, જયરાજસિંહ પરમાર તેમજ શક્તિસિંહ ગોહિલે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કોણ હતા બદરુદ્દીન શેખ?

બદરૂદ્દીન શેખે એચકે આર્ટ્સ કોલેજમાંથી તેઓએ ગ્રેજ્યુએશન કર્યું હતું.  એલએ શાહ લો કોલેજમાંથી તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. તેઓ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના  જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે. 2000 થી 2003 સુધી AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા. વર્ષ 2010માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિપક્ષ નેતા રહી ચૂકેલા બદરુદ્દીન શેખ અમદાવાદ સહીત ગુજરાત કોંગ્રેસમાં મોટા નેતા ગણવામાં આવતા હતા.તેઓ કેન્દ્ર સરકાર અંતર્ગત ખ્વાજા સાહેબ દરગાહ કમિટીના પ્રમુખ પણ રહી ચુક્યા છે.

બદરુદ્દીન શેખ છેલ્લા શ્વાસ  સુધી લોકોની સેવામાં રહ્યા તે વાત સૌ લોકો જાણે છે.પોતાના વિસ્તારમાં ખડેપગે રહીને  સેવા કરતા હતા  ત્યારે જ તેમને કોરોના નો ચેપ લાગ્યો અને હોસ્પિટલ પહોંચ્યા હતા.જો કે અન્ય બીમારીઓને કારણે ગત રાત્રે તેમણે અંતિમશ્વાસ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા  જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો .  તેઓ  SVP હોસ્પિટલમાં 14 દિવસથી સારવાર હેઠળ છે.ગઈકાલે ઇમરાન ખેડાવાલા એ જણાવ્યું હતું કે તેમના છેલ્લ્લા 2 રિપોર્ટ નેગેટીવ આવતા તેમને હોસ્પિટલમાંથી રાજા આપવામાં આવશે.

ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના નવા 230 નવા કેસ નોંધાયા જેમાં  178 કેસ  અમદાવાદમાં જ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના ના કેસ વધતા હવે તંત્ર પણ ચિંતામાં છે, રાજ્યમાં  અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં 3301 કેસ પોઝિટિવ આવ્યા છે . 27 દર્દીઓ વેન્ટિલેટર પર છે .