આજના સમયમાં ઘણા વિદ્યાર્થીઓને વિદેશ ભણવા જવાનું સપનું હોય છે.ત્યારે વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે.આવી જ ઘટના અમદાવાદથી સામે આવી છે.અમદાવાદમાં ઓમ એજ્યુકેશનના દીપક રૂપાણી સામે સુરેશભાઇ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે.
સુરેશભાઇ ઇચ્છતા હતા કે મારો દીકરો આગળનો અભ્યાસ કરવા વિદેશ જાય આ માટે સુરેશભાઈએ ૨૦૧૭ માં દીપક રૂપાણી સાથે મુલાકાત થઈ હતી.દીપક રૂપાણીએ સુરેશભાઈના દીકરાને અભ્યાસ માટે કેનેડા મોકલવાનું વચન આપ્યું હતું.સુરેશભાઇ એક વેપારી છે.તેઓએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમનો દીકરો મિલન એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી બાયો-મેડિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ આગળના અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતો હતો.
અભ્યાસ માટે વિદેશ જવાની તમામ માહિતી માટે દિપક રૂપાણીએ એડવાન્સ ફી તરીકે રૂપિયા ૨૦ હજાર લીધા હતા અને એડમિશન માટે ૧૮ લાખ રૂપિયાનો ખર્ચ થશે એમ પણ કહ્યું હતું.થોડા દિવસો બાદ દિપક રૂપાણીએ ફોન કરીને કહ્યું તમારા દીકરાનું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે માટે તમારે પૈસા ચુકવવાના રહેશે.
અને દિપક રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે જો પૈસા વહેલી તકે ન આપ્યા તો એડમિશન કન્ફર્મ થયું છે તે નિષ્ફળ થઈ શકે છે.અંતે ઓમ એજ્યુકેશનના દીપક રૂપાણીએ એડમિશનના સ્ક્રીનશૉટ પણ મોકલ્યા હતા,સામે પૈસા પણ માંગ્યા હતા.બદલામાં વેપારી સુરેશભાઇ પટેલે ૧૭ લાખ રૂપિયા દિપક રૂપાણીને ચુકવ્યા હતા છતાં પણ એડમિશન કન્ફર્મ થયું ન હતું.
છેવટે સુરેશભાઇએ બીજા કોઈ એજન્ટ પાસે એડમિશન કન્ફર્મ કરાવ્યુ.દિપક રૂપાણીએ સુરેશભાઈને ૬ લાખ રૂપિયા આપ્યા બીજા હપ્તા સિસ્ટમથી આપવાની વાત થઈ હતી,પરંતુ એક જ હપ્તો ચૂકવ્યો બાકીની રકમ ન આપતા વેપારી સુરેશભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.હાલ પોલીસે સમગ્ર તપાસ હાથ ધરી છે.