અમદાવાદ: ફેસબુક પર હિન્દૂ ધર્મ વિશે કરી બીભત્સ પોસ્ટ અને પછી……
ધંધુકામાં થયેલ કિશન ભરવાડની હત્યા તેમજ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના ચુકાદો આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અમદાવાદ શહેરની પોલીસ બાજ નજર રાખી રહી છે. આ દરમિયાન અમદાવાદના વેજલપુર વિસ્તારના એક યુવકે સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી. ત્યારે પોલીસે આ યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અને આ યુવકની ધરપકડ પણ કરી લીધી છે. ધાર્મિક લાગણી દુભાય એ પ્રકારની વિવાદિત પોસ્ટ મુકનાર યુવકની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
હિન્દુ ધર્મ અંગે બીભત્સ પ્રકારના લખાણવાળી પોસ્ટ અસલમ લેંઘા નામના શખ્સે ફેસબુક પર પોસ્ટ કરી હતી. ત્યારે આ પોસ્ટ સાયબર ક્રાઇમ બ્રાંચની સર્વેલન્સ ટિમના ધ્યાને આવી ત્યારે તેમને તરત જ અસલમ લેંઘા નામના આરોપીની વિરુદ્ધ ગુનો નોંધીને ફતેહવાડી ખાતે આવેલા તેના નિવાસસ્થાનેથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હિન્દુ ધર્મ અંગે સોશિયલ મીડિયામાં બીભત્સ પોસ્ટ કરનાર અસલમ લેંઘા ડ્રાઇવરની છૂટક નોકરી કરે છે. અસલમ લેંઘાની આ પ્રકારની વિવાદિત પોસ્ટ કરવા અંગેનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા હાલ આરોપીના બધા જ સોશિયલ મીડિયા એપ્લિકેશનના એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, ફેસબુક પર હિન્દૂ ધર્મને લઈને બીભત્સ પ્રકારની પોસ્ટ કરવા માટેનો તેનો આશય શું હતો તે અંગે આરોપી અસલમ લેંઘા કોઈ જ ચોક્કસ કારણ જણાવી રહ્યો નથી. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ જ એક વિવાદિત ફેસબુક પોસ્ટના વિવાદને લઈને જ ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી પકડાયેલા તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરાતા માલુમ પડ્યું હતું કે તે લોકોએ એક ખાસ ષડયંત્ર રચ્યું હતું. ત્યારે આ કેસમાં પણ આવું કોઈ કનેક્શન છે કે કેમ તે અંગે પોલિસે તપાસ હાથ ધરી છે.