‘મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી’, ગ્રાહક ફોરમનો મોટો નિર્ણય
વડોદરા ગ્રાહક ફોરમે મેડિકલ ઈન્સ્યોરન્સ (medical insurance) ને લગતા મામલામાં મોટો નિર્ણય આપ્યો છે. ફોરમના જણાવ્યા અનુસાર મેડિકલ ઇન્શ્યોરન્સનો દાવો કરવા માટે જરૂરી નથી કે કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય અથવા તેને 24 કલાક માટે દાખલ કરવો જ પડે.ગ્રાહક ફોરમ વતી મેડિકલ ઈન્સ્યોરન્સ કંપનીને દર્દીને ચૂકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વડોદરામાં રમેશચંદ્ર જોષીએ 2017માં ગ્રાહક ફોરમમાં નેશનલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જોશીએ દાવો કર્યો હતો કે તેમની પત્નીને 2016માં ડર્માટોમાયોસિટિસ થયો હતો અને તેને અમદાવાદની લાઇફકેર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. જોષીની પત્નીને સારવાર બાદ બીજા દિવસે રજા આપવામાં આવી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર આ પછી જોશીએ કંપનીને 44,468 રૂપિયાનું બિલ ચૂકવવાનું કહ્યું હતું. પરંતુ વીમા કંપનીએ જોશીનો દાવો ફગાવી દીધો હતો. જોષીએ આ અંગે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. વીમા કંપનીએ કલમ 3.15ને ટાંકીને જોશીની અરજી ફગાવી દીધી હતી. કંપનીની દલીલ એવી હતી કે દર્દીને સતત 24 કલાક સુધી દાખલ કરવામાં આવ્યો ન હતો.
આ પછી જોશીએ મેડિકલ ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો. તેમણે ફોરમ સમક્ષ તમામ દસ્તાવેજો રજૂ કર્યા. તેણે દાવો કર્યો કે તેની પત્નીને 24 નવેમ્બરે સાંજે 5.38 કલાકે દાખલ કરવામાં આવી હતી. જ્યારે 25 નવેમ્બર 2016ના રોજ સાંજે 6.30 કલાકે તેમને રજા આપવામાં આવી હતી.
ફોરમે કહ્યું કે જો એવું માની લેવામાં આવે કે દર્દીને 24 કલાકથી ઓછા સમયમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે તબીબી વીમાનો દાવો કરવા માટે હકદાર છે. આજે આધુનિક યુગમાં એવી પદ્ધતિઓ અને દવાઓ વિકસાવવામાં આવી છે જે અનુસાર ડોક્ટર સારવાર કરતા હોય છે.