સરકારી નોકરીઓ માટે લાઇન લગાવતા યુવાનો માટે આ દીકરી બનશે પ્રેરણારૂપ
આજના જમાનામાં છોકરીઓ પોતાના પગ પર ઉભી રહીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ડોકટર હોય કે એન્જીનિયર હોય કે પછી ઉચ્ચ સરકારી અધિકારી દરેક જગ્યાએ છોકરીઓ આગળ આવી રહી છે. આજે દરેક ક્ષેત્રમાં દીકરાઓ કરતા પણ દીકરીઓ ખૂબ આગળ નીકળી ગઈ છે, એ પછી બિઝનેસની જ વાત કેમ ના હોય. બિઝનેસ હોય કે કોઈ નોકરી દરેક જગ્યાએ મહિલાઓનો ફાળો વધારે છે. ત્યારે
રાજકોટમાં એક 17 વર્ષની ઉંમરની દેવાંશી સપનાએ ‘ડોટર્સ ટી’થી સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. તે અભ્યાસની સાથે સાથે ચા વેચીને તેના આ સ્ટાર્ટ અપને વધુ આગળ લઈ જવા માંગે છે. તે જીવનમાં બોઉજ બધુ કરવા માંગે અને મેળવવા માંગે છે. જેથી આ 17 વર્ષની છોકરીએ નાનકડા એવા ટી સ્ટોલથી પોતાના કરિયરની શરૂઆત કરી છે.
દેવાંશી સપનાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેને ધોરણ 10નો અભ્યાસ પૂર્ણ કરીને આગળ અભ્યાસ માટે કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લીધુ છે. તે ભણવાની સાથે સાથે તેના સ્ટાર્ટ અપ ડોટર્સ ટીના બિઝનેસને ચાલુ રાખી તેને આગળ લઈ જવા માંગે છે. ગ્રેજ્યુએશન પુરુ કરવાની સાથે સાથે પોતાના આ બિઝનેસને વધુ આગળ લઈ જવો તે જ તેનો લક્ષય છે.
નોંધનીય છે કે, દેવાંશી બપોરના 4 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી પોતાનો ટી સ્ટોલ ચલાવે છે. અને સવારમાં તે પોતાનો અભ્યાસ પણ શરૂ રાખે છે. આ સાથે જ દેવાંશી રવિવારનો આખો દિવસ પોતાનો ટી સ્ટોલ ચાલુ રાખતી હોય છે. આમ આ દિકરીને અભ્યાસની સાથે સાથે અત્યારથી જ બિઝનેસમાં આગળ વધવાની લગન છે.
આ દીકરી યુવાનોને એક જ સંદેશ આપવા ઈચ્છે છે કે કોઈ પણ કામ કે ધંધો નાનો નથી હોતો. બસ, તમારે સાહસ કરવાની જરૂર હોય છે.ગ્રેજ્યુએશન કર્યા પછી ખોટો સમય વેડફવો એના કરતા આપણે આપણુ પોતાનું જ કંઈક સ્ટાર્ટ અપ કરીને આગળ વધવુ જોઈએ.