GujaratMadhya Gujarat

હોટલ સ્ટાફ સાથે ઝઘડો થતા યુવકોએ કર્યું એવું કે…

ઘણી વખત હોટલમાં જમવા ગયા હોઈએ ત્યારે હોટલ સ્ટાફ સાથે માથાકૂટ થતી હોય છે. પરંતુ એક એક એવો બનાવ સામે સામે આવ્યો છે જ્યાં હોટલમાં જમવા ગયેલા લોકોને સ્ટાફ સાથે માથાકૂટ થતા ફાયરિંગ થઈ ગયું હતું. હારીજ બોરતવાડા રોડ ખાતે ત્રણ યુવકો હોટલમાં જમવા ગયા હતા. આ દરમિયાન તે લોકોને જમવા મામલે હોટલના સ્ટાફ સાથે માથાકૂટ થઇ જતા રોષે ભરાયેલા ત્રણ યુવકો પૈકી એક યુવકે હોટલના માલિક ઉપર ફાયરિંગ કરી દીધું હતું. અને સ્ટાફને ધમકાવીને ત્યાંથી ત્રણેય યુવકો ફરાર થઈ ગયા હતા. જો કે ફાયરિંગ દરમિયાન કોઈને પણ ગોળી ના વાગતા કોઈ દુર્ઘટના ઘટી ન હતી. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક અસરથી ત્રણેય યુવાનોને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી અનુસાર, સોમવાર રાત્રીના સમયે હારીજ બોરતવાડા ગામ વચ્ચે આવેલ પાઘડી હોટલ ઉપર ત્રણ યુવકો જમવા ગયા હતા. ત્યારે હોટલની બહાર બેસી આ યુવકોએ મેનેજરને હોટલના માલિકને બોલાવવાનું કહ્યું હતુ. ત્યારે હોટલના માલિક મહેશભાઈ ચૌધરી ત્યાં આવતા ત્રણેય યુવકોએ વારાફરતી તેમને અપશબ્દો બોલ્યા અને હોટલની સુવિધાઓને લઈને માથાકૂટ કરવા લાગ્યા હતા. માલિકે માથાકૂટ કરવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને તેમણે ઝપાઝપી કરી હોટલમાથું 9000 રૂપિયા ઝૂંટવી લીધા હતા. ત્યારે હોટલના સ્ટાફે ત્રણમાંથી બે ઈસમોને પકડી પાડતા ત્રીજા યુવકે હોટલની બહાર જઈને પોતાની પાસે રહેલ રિવોલ્વર કાઢીને જાનથી મારી નાખવાના ઇરાદે હોટલના માલિક ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કહ્યું કે પેલા બે યુવકોને છોડી મૂકો નહિ તો જાનથી મારી નાખીશ. ત્યારે યુવકની ધમકીને પગલે પેલા બે યુવકોને છોડી મુક્ત ત્રણેય યુવકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યારે હોટલ માલિકે આ સમગ્ર મામલે હારીજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક અસરથી ત્રણેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓને સવારમાં ઝડપી પાડ્યા હતા.

રાધનપુર DYSP ડી ડી ચૌધરીના જણાવ્યા અનુસાર, પાઘડી હોટલમાં જે ફાયરીગ તેમજ લૂંટની જે ઘટના ઘટી છે તેમાં આરોપીઓએ હાથ બનાવટની પિસ્તોલથી ફાયરીગ કર્યું છે. પોલીસે આ મામલે ઘટના સ્થળ પર પહોંચી સર્ચ અપરેશન હાથ ધરી સવાર સુધીમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. અને આરોપી પાસે રહેલ હથિયાર પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓના નામ કિરીટસિંહ સરતાનજી વાઘેલા, કમલેશ અણદાભાઈ અને દાનવીરસિંહ ઉર્ફે વકતીસિંહ ભગવાનસિંહ વાઘેલા છે. જેમાં જમાનપુર ગામે વસવાટ કરતો કિરીટ સિંહ આ પહેલા પણ ચાણસ્મા ખાતે આમર્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ છે. અને મુંબઇ શહેરમાં આવેલ એક આંગડીયામાં એક કરોડ રૂપિયાની ચોરીમાં તે સહ તહોમત હતો. બાકીના બે આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.