GujaratRajkotSaurashtra

Kia Seltos: કિયા સેલ્ટોસની અંતિમ યાત્રા

“કિયા સેલ્ટોસની અંતિમ યાત્રા” વાંચીને નવાઈ લાગી હશે કે શું કાર ની પણ અંતિમયાત્રા હોય..! તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકો તેમના પાલતું પ્રાણીઓ સાથે એટલી લાગણીથી જોડાયેલા હોય છે કે તેમના મૃત્યુ બાદ અંતિમયાત્રા અને બેસણું પણ રાખતા હોય છે પણ રાજકોટના એક યુવક Akshay Makadiya નિર્જીવ વસ્તુ એટલે કે તેમની કાર સાથે કેટલી લાગણીથી જોડાયેલા હતા તેનું વર્ણન પોતાના ફેસબુક પેજ પર કર્યું છે.

Akshay Makadiya ની ફેસબુક પોસ્ટ: ધુળેટીના સવારમાં મારા ભત્રીજા સાથે કલરથી રમતો હતો અને અચાનક મારા ભાઈનો ફોન આવ્યો કે નાથદ્વારા પાસે અમારી કારનું એક્સીડેન્ટ (Accident) થયું છે અને કાર બહુ ખરાબ રીતે ડેમેજ થઇ ગઈ છે. કાર માં જે થયું એ, તમને કોઈને કઈ નહિ થયું ને? શ્રીનાથજી બાવાની કૃપાથી અને સદ્નસીબે કારમાં બેઠેલા 5 લોકોમાંથી કોઈ ને ડ્રેસિંગની પણ જરૂર નહોતી.

કાર ચાલી શકે એવી સ્થિતિમાં નહોતી અને વીમો હતો એટલે રાજસ્થાન (Rajasthan) રાખવાના બદલે ગુજરાતમાં લાવવાનું નક્કી કર્યું. ટો કરીને કારને અમદાવાદ કિઆના સર્વિસ સેન્ટર ખાતે મૂકી. લગભગ એક મહિના પછી એમના સર્વેયરનો ફોન આવ્યો કે કારમાં રિપેરિંગ શક્ય નથી એટલે ટોટલ લોસમાં જશે. જે કારને મેં એકલા હાથે 40000 km જેટલી ચલાવી હતી અને અગણિત યાદો જોડાયેલી હતી તેની સીટ પર ફરી બેસવા નહિ મળે એ વિચારીને મોટો ઝાટકો લાગ્યો અને પહેલી વાર કોઈ પણ નિર્જીવ વસ્તુ સાથે આટલો લગાવ હોઈ શકે એવું મહેસુસ કર્યું.

કંપનીવાળા એ કહ્યું કે કાર અહીંયા રાખવા માટે હવે રોજનું રૂ.750 ભાડું આપવું પડશે. એટલા માટે નક્કી કર્યું કે વીમા ની ફોર્માલિટી પુરી થાય ત્યાં સુધી કારને કોઈ જગ્યા એ શિફ્ટ કરી દઈએ. એટલે અમદાવાદમાં એક મિત્રની કન્સ્ટ્રકશન સાઈટ પર રાખવાનું નક્કી કર્યું જ્યાં 1-2 મહિના સુધી પડી રહે તો વાંધો આવે એમ નહોતો.

બધા ડોક્યુમેન્ટ લઈને સર્વિસ સ્ટેશન પર પહોંચ્યો, બધી ફોર્માલિટી પુરી કરી એટલે મેનેજર એ કહ્યું કે ચાલો કાર તમને સોંપી દઉં. જેમ-જેમ કારની નજીક જતા હતા એમ ધબકારા વધતા જતા હતા કેમ કે એક્સીડેન્ટ પછી મેં કારના ફોટોસ જ જોયા હતા રૂબરૂ પેલી વાર જોવાની હતી. બસ અહિયાંથી ચાલુ થયું કે કોઈ નજીકના સગાની અંતિમ યાત્રામાં જતો હોઈ અને મૃતદેહના અંતિમ દર્શન કરવાના હોઈ. યોગાનુયોગ, અમદાવાદ (Ahmedabad) ની ગરમીને સહન કરવા મેં કપડાં પણ સફેદ કલરના પહેર્યા હતા.

કારને દૂર થી જોતા જ પેટમાં ફાળ પડી કે યાર હવે આ આપડી વચ્ચે નહિ રહે. પાસે જઈને જોયું તો માત્ર એક જમણી બાજુ બચી હતી, બાકી આગળ, પાછળ, ઉપર, નીચે અને ડાબી બાજુ ખરાબ રીતે ડેમેજ થઇ ગયું હતું. અંદરથી પણ બંને એરબેગ ખુલીને ફાટી ગઈ હતી, બધું વેર-વિખેર પડ્યું હતું. જેમ મૃત-દેહ પરથી આભૂષણો ઉતારે એમ મેં કારને તપાસી અને કામની બધી વસ્તુઓ કાઢીને એક બેગમાં રાખી. શિફ્ટ કરવા માટે ટો સર્વિસવાળા ને ફોન કર્યો જાણે શબ-વાહિનીને સરનામું જણાવતો હોઈ. ટોઇંગ વાહન આવ્યું, , ગમે તેમ કરીને આગળના બંને પૈડાઓને બાંધ્યા. જે રીતે બાંધતા હતા એ જોઈને મેં કીધું કે થોડું જોજો, તો કહ્યું કે આમાં હવે જોવા જેવું શું છે? કેમ જાણે મૃતદેહને ગમે એમ કરીને સ્મશાન પહોંચાડવાની વાત હોઈ.

જેમ કોઈની અંતિમ યાત્રામાં જતો હોઈ એમ, આગળ ટોઇંગ વાહન સાથે ટંગાયેલી મૃત કિયા સેલ્ટોસ અને પાછળ સફેદ કપડામાં બાઈક પર જતો હું, બસ રામ ધૂન નહોતી વાગતી. રસ્તામાં જતા બધા લોકોની નજર અમારા પર હતી. આખા રસ્તે કિયા ગુમાવવાનો ગમ હતો પણ અફસોસ કર્યા વગર કોઈ છૂટકો નહોતો. ગમે તેમ કરીને જગ્યા પર પહોંચ્યા જ્યાં આ કારને શિફ્ટ કરવાની હતી. જેમ દફન કરતા હોઈ એમ વ્યવસ્થિત પાર્ક કરી, અને કફન ઓઢાડતાં હોઈ એમ કપડું ઢાંક્યું અને અંતિમ દર્શન કરીને પરત આવ્યો.
ગરમી અને આખા દિવસની દોડા-દોડીને લીધે થાકી ગયો હતો એટલે નાહવા ગયો અને નહાતા-નહાતા આ વિચાર આવ્યો કે બસ આ બાકી હતું – કિયાના નામ નું નહાઈ નાખ્યું….