અમદાવાદ શહેરમાં વધુ એક મહિલા સાથે શારીરિક તેમજ માનસિક ઘરેલું હિંસાની ઘટના બન્યાનું સામે આવ્યું છે. દારૂ પીવાની ખરાબ લત વાળો પતિ દરરોજ દારૂ પીને તેની પત્ની સાથે જાતીય સંબંધ બાંધવાનું કહેતો અને જો પત્ની ના પાડે તો તેની સાથે ઢોર માર મારતો તેમજ નસિક ત્રાસ આપતો હતો. આ સિવાય પત્ની જો તેના પતિને પુછ્યા વિના જમવામાં શાક બનાવી દે તો પણ પરી ઉશ્કેરાઇને પત્નીને માર મારતો હતો. તેમજ પતિ તેની પત્ની પર ચારિત્ર્યહીન હોવાના ખોટા આક્ષેપો કરીને સતત ઝઘડા કરતો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એવા નિકોલ વસવાટ કરતી એક પરિણીતાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પરિણીતાએ પોલીસને જણાવ્યું કે, લગ્ન કર્યાના ત્રણ મહિના સુધી તેના પતિએ તેને ખૂબ સારી રીતે રાખી હતી. ત્યારપછી તેનો પતિ અને સાસુ ઘરકામ અથવા તો નાની-નાની બાબતોને લઈને પરિણીતા સાથે ઝઘડો કરતા અને ગંદી ગંદી ગાળો બોલતા હતા. પતિને દારૂ પીવાની લત હોવાથી તે દરરોજ દારૂ પીને પરિણીતાને શારીરિક સંબંધ બાંધવા માટે કહેતો હતો. અને જો પત્ની ના પાડે તો પતિ પરિણીતાને ઢોર માર મારતો અને પરિણીતાનું માથું દીવાલમાં પછાડતો હતો. પરિણીતાના સાસુ સસરા પણ પતિને ચડાવતા અને કહેતા હતા કે પત્નીને તો પહેલાથી જ કાબુમાં રખાય. તેની નણંદ પણ પરિણીતાને મેણા ટોણા મારતી હતી.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિ પરિણીતા પર ચારિત્ર્યહીન હોવાના ખોટા આક્ષેપ કરતો હતો. તેમજ તે પરિવાર સાથે દર શનિવાર તેમજ રવિવારે ખેતીકામ અર્થે વતન જતો હતો. જો કે એક દિવસ પરિણીતાએ તેના પતિને પૂછ્યા વિના જ સાંજનું શાક બનાવી દેતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો. અને તેને પરિણીતાને પકડીને દીવાલ પર 10 થી 12 વખત માથું ભટકાવ્યું હતું. જેના કારણે પરિણીતાને અચાનક માથાનો દુખાવો થઈ હતા તેણે 181 બોલાવવાની વાત કરી તો પરિણીતાને તાત્કાલિક અસરથી નજીકના એક ખાનગી દવાખાને સારવાર માટે લઇ ગયા હતાં. પતિ પરિણીતાને ધમકી આપતો હતો કે જો તું પોલીસ કેસ કરીશ તો તને હું જાનથી મારી નાંખીશ. એક વખત તો પતિએ પરિણીતાના પિતાને ફોન કરીને કહ્યું કે તમારી દીકરીને લઈ જાવ નહિ તો અમે ઘટમાંથી કાઢી મુકીશું. ત્યારે પરિણીતા રિસાઇને તેના પિતાના ઘરે આવી ગઇ હતી.
તમને જણાવી દઈએ કે, સતત પતિ તેમજ સાસરિયાઓ દ્વારા આપવામાં આવી રહેલા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ આખરે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે હાલ તો પરિણીતાની ફરિયાદના આધારે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.