GujaratSaurashtra

પિતા બન્યો કસાઈ, બાઇક સ્લીપ થઈ જતા દીકરીને અપશુકનિયાળ માની ગળું દબાવી કરી નાખી હત્યા

હાલના જમાનામાં હજુ પણ જૂન વાણી વિચારો લોકોના મનમાં રહેલા છે. આપણે બધા જાણીએ છીએ કે, દીકરીનો જન્મ ભાગ્યશાળી માનવામાં આવે છે. જેના જન્મથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. પરંતુ આ કળયુગમાં કેટલાક એવા પણ રહેલા છે જે દીકરીને અપશુકનિયાળ માનતા હોય છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવી છે. જેમાં એક પિતા દોઢ વર્ષની માસુમ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. તેની સાથે હત્યા કરી બાળકીની લાશને આ નરાધમ પિતા દ્વારા ફેંકી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલમાં આ મામલામાં હત્યારા માતા-પિતાની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા-ચોટીલા હાઇવે પાસે બે દિવસ પહેલા દોઢ વર્ષની મૃત બાળકીની લાશ મળી આવી હતી. આ ઘટનામાં બાળકીના માતા-પિતા સુધી પહોંચેલી સાયલા પોલીસની ટીમ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બાળકીના માતા-પિતા દ્વારા પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી હતી કે, તેમણે જ પોતાની દોઢ વર્ષની દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

આ મામલામાં દીકરીની હત્યા કરનાર પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પાંચ પુત્રીમાં સૌથી નાની પુત્રીને તે અપશુકનિયાળ માનતા હતા. 27 મી એપ્રિલના બંને પતિ-પત્ની બાઇક ઉપર ગુંદા ગામે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન મઘરીખડા પાસે બાઇક સ્લીપ થઈ ગયું અને પિતાને તેના લીધે ગુસ્સો આવી જતા બાળકીનું ગળુ દબાવી ક્રૂર હત્યા કરી નાખી હતી.

ત્યાર બાદ સાયલા-ચોટીલા હાઇવે પાસે શાપર નજીક પતિના કહેવાથી પત્ની દ્વારા મૃત બાળકીને નાળામાં ફેકી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા બાળકીના માતા-પિતા સામે હત્યાનો ગુનો દાખલ કરી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.