ગરીબ અને મધ્યમ વર્ગ માટે નિર્માણ પામનાર કિરણ હોસ્પિટલ-2ના ભૂમિ વંદના કાર્યક્રમમાં લોકોએ મન મુકીને કર્યું દાન
SDA આરોગ્ય ટ્રસ્ટ (SDA Trust) દ્વારા સુરત ખાતે નવનિર્મિત થનાર કિરણ હોસ્પિટલ- ૨નું ભૂમિ વંદના તેમજ લોકડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી લોકો આ લોકડાયરાના કાર્યક્રમને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. ભૂમિ વંદના કાર્યક્રમમાં આશરે 12,000 લોકો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કિરણ હોસ્પિટલ- 2 સુરત ખાતે નિર્માણ પામવાની છે. ત્યારે SDA Trust દ્વારા આયોજિત ભૂમિ વંદના તેમજ લોકડાયરાના કાર્યક્રમમાં સુરત શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હાજર રહેલા દાતાઓએ પણ આ સેવાના આ કાર્યમાં મન મુકીને 100 કરોડથી પણ વધુનું દાન આપ્યુ હતું. માયાભાઈ આહીર, ઓસમાણભાઇ મીર,ઉર્વશીબેન રાદડિયા, ઘનશ્યામભાઇ લખાનીએ લોક ડાયરામાં રંગ જમાવ્યો હતો.
નોંધનીય છે કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા દરે સારી સારવાર મળી રહે તે આશયથી સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટ દ્વારા 450 કરોડના ખર્ચે કિરણ હોસ્પિટલ 2 બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાએ આ હોસ્પિટલ માટે 80 કરોડ રૂપિયાની 13,000 ચોરસ વાર જગ્યા ફાળવી છે. આ હોસ્પિટલમાં 450 બેડ સાથે એક નર્સિંગ કોલેજ પણ બનાવવામાં આવશે. આ સિવાય હોસ્પિટલમાં 100 જેટલી બેઠકો બળી એક મેડિકલ કોલેજ પણ ભવિષ્યમાં શરૂ કરી શકાય તે પ્રકારનું પણ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.