AhmedabadGujarat

ગુજરાત પોલીસને મળી એક ખાસ મોબાઈલ કોમ્યુનિકેશન વાહનની ભેટ

ગુજરાત પોલીસ તંત્રને સંદેશાવ્યવહારમાં કોઈ મુશ્કેલી ના આવે તે માટે એક ખાસ મોબાઇલ કોમ્યુનિકેશન વાહન વિકસાવવામાં આવ્યું છે. આપાતકાલિન પરિસ્થિતિ તેમજ વીવીઆઈપી સુરક્ષા દરમિયાન જિલ્લા તેમજ શહેરની પોલીસની સંદેશા વ્યવહારની જરૂરિયાતને ધ્યાને રાખી મોડરેશન ઓફ પોલીસ ફોર્સ સ્કિમ હેઠળ આ ખાસ વાહન વસાવવામાં આવ્યું છે. આ વાહન બેંગ્લોરની M/s Mistral Solutions Pvt. Ltd. કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. HF, VHF, સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન સિસ્ટમ પણ આ વાહનમાં ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, અંતરિયાળ વિસ્તારો કે જ્યાં સંદેશા વ્યવહાર ઉપલબ્ધ નથી ત્યાં પણ આ વાહન કોમ્યુનિકેશન નેટવર્ક ઊભું કરી શકે છે. આ વાહનનો ઉપયોગ મુખ્યત્વે વીવીઆઇપી સુરક્ષા,તહેવારોની ઉજવણી દરમિયાન, મેળાના આયોજનમાં, તેમજ અન્ય જાહેર કાર્યક્રમોમાં કરવામાં આવશે. આ વાહનમાં વર્ક સ્ટેશન,એલઇડી સ્ક્રિન,ફેસ્સિમાઇલ , રગલાઇઝ્ડ મોબાઈલ ફોન,સ્કેનર , પ્રિન્ટર,માસ્ટ મોન્ટેડ CCTV કેમેરા, રગ્લાઇઝ્ડ સેટેલાઇટ ફોન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ તેમજ વીડિયો મેનેજમેન્ટ સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે. આ ઉપરાંત સમગ્ર સિસ્ટમને કંટ્રોલ કરવા માટે થઈને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર પણ આ વાહનમાં બનાવવામાં આવ્યું છે. આ વાહન થકી ગાંધીનગરના રાજ્ય કંટ્રોલ વિભાગ સાથે ગમે ત્યારે વીડિયો કોન્ફરન્સિંગ થઈ શકે તેવી સુવિધા પણ છે.

તમને જણાવી દઈએ કે, આપાતકાલિન પરિસ્થિતિમાં પણ ઉપયોગમાં લઈ શકાય તેવી સુવિધાઓ પણ આ વાહનમાં અપાઈ છે. આપાતકાલિન પરિસ્થિતિઓમાં જ્યારે સંદેશાવ્યવહાર સાવ બંધ થઈ જાય તે સમયે પણ આ વાહનમાં ઉલ્લાબ્ધ તમામ સિસ્ટમ કાર્યરત રહે છે. ગુજરાત એ પ્રથમ રાજ્ય છે જ્યાં આ પ્રકારની આધુનિક ટેક્નોલોજી પોલીસ તંત્ર માટે વસાવવામાં આવી છે. આ વાહનનો ઉપયોગ ટૂંક સમયમાં કરી શકાશે.