બાગેશ્વર બાબા આગામી મહિને ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારથી બાગેશ્વર બાબાના દિવ દરબારની જાહેરાત થઈ છે ત્યારથી ગુજરાતમાં સતત તેને લઈને જ ચર્ચા ચલી રહી છે. ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરતમાં યોજાનારા બાગેશ્વર બાબાના દરબારમાં ઉપસ્થિત રહે તેવી પુરી શકયતા છે. આ સિવાય આ લોક દરબારમાં દક્ષિણ ગુજરાતના મોટા નેતાઓ હાજર રહી શકે છે. આ કાર્યક્રમને સફળ થાય તે માટે થઈને સોશિયલ મીડિયા પર પુરજોશમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત ખાતે આવી રહ્યા છે. સુરતના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે 26 અને 27 મેના રોજ સાંજે 5 થી 10 સુધી બાગેશ્વર બાબાના બે દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. જેને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 2 લાખ કરતા પણ વધુ વધુ લોકો હાજર રહેશે તેવો અંદાજ છે. આ ઉપરાંત લોક દરબાર સાથે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિવ્ય દરબાર જે સ્થળ પર યોજાવાનું છે ત્યાં 5 સ્ટેજ, 30થી વધુ LED તેમજ કાર્યક્રમમાં હાજર રહેનાર લોકો માટે પીવાના પાણી સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્યોની સુરતમાં યોજનાર દિવ્ય દરબારની વ્યવસ્થાને લઇને અગાઉ બેઠક યોજાઈ હતી. સભ્યોએ જણાવ્યું કે તેઓ હમણાંથી કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરવામાં લાગી ગયા છે. આ આયોજનની સમિતિમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સંદિપભાઈ દેસાઈ, પાલિકા ચેરમેન દિનેશ રાજપુરોહિત,શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત તેમજ અનેક સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.