ઓનલાઇન સર્ચ કરીને કામવાળી શોધતા હોય તો જાણી લો રાજકોટનો આ કિસ્સો નહી તો તમે પણ ભોગ બની શકો છો
આજના ડિજિટલ જમાનામાં લોકો તમામ કામ ઓનલાઈનથી જ કરતા હોય છે. ઘણા લોકો પોતાના ઘરે કામવાળી રાખવા માટે પણ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. જો કે, આવું કરવું ક્યારેક લોકોને ભારે પણ પડી શકે છે. આવું જ કંઈક રાજકોટમાં સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક એવી મહિલાને ઝડપી પાડવામાં આવી છે જે પોતે મેઈડ પ્લેસમેન્ટ એજન્સી થકી જસ્ટ ડાયલમાં કામ કરતી હતી. આ મહિલા લોકોના ઘરમાં નોકરાણી તરીકે રહીને પહેલા લોકોનો વિશ્વાસ જીતી લેતી અને પછી તે જ ઘરમાં ચોરી કરીને અંજામ ફરાર થઈ જતી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિલ્વર આર્ક એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા ફરિયાદી પ્રાંચીબેન ગૌરાગભાઇ કોટેચાએ જસ્ટ ડાયલ મારફતે દિલ્હીની મેઈડ પ્લેસમેન્ટ એજન્સીનો ઓનલાઈન સંપર્ક કરીને અનુદેવી ઉર્ફે કલવતી ઉર્ફે સોની શકિતકુમોર મિશ્રા નામની મહિલાને ગત મહિને તેમના ઘરે કામ પર રાખવામાં આવી હતી. બે દિવસ ઘરકામ કર્યા પછી મકાનમાલિક મહિલા કોઈ કામથી બહાર ગયા હતા તેમજ તેનો પતિ શહેરથી બહારગામ હોવાથી અનુદેવીએ મોકાનો ફાયદો ઉઠાવીને જે ઘરમાં કામ કરતી હતી ત્યાંથી જ સોનાના દાગીના-વીંટી સહિતનો મુદામાલ ચોરી કરીને 15 એપ્રિલના રોજ ફરાર થઇ ગઇ હતી. જેને લઈ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેથી પોલીસે આ મહિલાને ઝડપી પાડવા એક ટિમ બનાવીને તપાસ હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમ મહિલાની તપાસ કરતા કરતા દિલ્હી પહોંચી હતી. અને સ્થાનિક પોલીસની મદદ લઈને ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહિલા અનુદેવીને ઝડપી પાડીને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મુળ ઝારખંડ રાજ્યમાં આવેલ રામગઢ જિલ્લા ખાતેના દુદુઆ નામના ગામની વતની અનુદેવી દિલ્હીમાં રહેતા તેના સાગરીત શ્યામ તેમજ વિશાલ સાથે મળીને જુદા જુદા રાજ્યોમાં ઘરકામ માટેની મહિલા બનીને આ રીતે હાથફેરો કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતી હતી. હાલ તો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે અનુદેવીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.