GujaratSouth GujaratSurat

સુરતમાં યોજાયો અનોખો ફેશન શો, કિન્નરોએ કર્યું રેમ્પ વોક

તુલ્યતા બેનર હેઠળ સુરત શહેરના સી બી પટેલ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે એક અનોખો ફેશન શો યોજાયો હતો. માત્ર કિન્નરોએ જ રેમ્પ વોક કર્યું હોવાથી પોતાની રીતે જ અનોખો બની જાય છે. મોડલની જેમ જ કિન્નરો પણ રેમ્પ વોક કરી શકે છે તેમજ કિન્નરોને સમાનતા આપવા માટે આ અનોખા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેમ્પવોક કરનાર એક કિન્નરે જણાવ્યું હતું કે, મારે રેમ્પ વોક કરવાનું છે તેવી જ્યારે મને ખબર પડી ત્યારે મને ખૂબ જ ડર લાગ્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી આ ફેશન શોમાં રેમ્પ વોક કરવા માટે અમે સૌ પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે સ્ટેજ પર ગયા તે દરમિયાન પણ પણ મને અંદરથી ખૂબ ડર હતો. પછી મેં મનમાં વિચાર્યું કે જો છોકરા, છોકરીઓ તેમજ મોડલો રેમ્પ વોક કરી શકે તો હું પણ કરી જ શકું છું. જે કરી શકે તે કિન્નર કેમ ન કરી શકે. અને પછી મનમાંથી ડર કાઢીને મેં આજે રેમ્પ વોક કર્યું.

શ્વેતા પાલકે આ દરમિયાન જણાવ્યું હતું કે, કિન્નરો માટે ગુજરાતમાં પ્રથમ વખત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શોના માધ્યમતથી કહેવા માગીએ છીએ કે, જે રીતે સ્ત્રી અને પુરુષને સમાનતાના આધારે ચાન્સ મળતા હોય છે તે જ રીતે કિન્નરોને પણ ચાન્સ આપવો જોઈએ. તે પણ સમાજ માટે યોગદાન આપવા ઈચ્છે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે આગળ આવીને કિન્નરોને મદદ કરીશું તો તે પણ સમાજને આગળ લઈ જવામાં ભાગ ભજવી શકે છે. તેઓને માત્ર તાળી પાડીને માંગવાનું જ નહીં પણ તે સિવાય પણ ઘણું બધું આવડે છે. તેમને બસ એક ચાન્સ આપવાની જરૂર છે. જે કોન્ફિડેન્સથી કિન્નરોએ આ ફેશન શોમાં રેમ્પવોક કર્યું છે તેને જોઈને જ ખબર પડી જાય છે કે કિન્નરોને ચાન્સ મળશે તો તે કંઈ પણ કરી શકે છે.