IndiaMoneyNews

શું ફરી 1000 રૂપિયાની નોટ બજારમાં આવશે? RBI ગવર્નરે આપી મોટી જાણકારી

RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 2000 રૂપિયાની નોટ બંધ થયા પછી, શું કેન્દ્ર સરકાર 1000 રૂપિયાની નોટ ફરીથી બહાર પાડશે…? મીડિયા સાથે વાત કરતા રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈએ વધારે ચિંતા કરવાની જરૂર નથી. આ સિવાય બેંકોમાં ભીડ કરવાની જરૂર નથી. તમારી પાસે 4 મહિનાનો સમય છે, તમે આ નોટો બેંકમાંથી 30 સપ્ટેમ્બર સુધી બદલી શકો છો.

તેમણે કહ્યું કે 2000 રૂપિયાની નોટ બંધ થવાની અસર અર્થવ્યવસ્થા પર ઘણી ઓછી થશે. તેમણે કહ્યું કે 2,000 રૂપિયાની નોટો ચલણમાં રહેલી કુલ કરન્સીના માત્ર 10.8 ટકા છે. આરબીઆઈએ(RBI) કહ્યું કે તે સમયે સિસ્ટમમાં 2000 રૂપિયાની નોટની જરૂર હતી. હાલમાં અન્ય મૂલ્યોની નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને 2000 રૂપિયાની નોટ લાવવાનો હેતુ પણ પૂરો થઈ ગયો છે, જેના કારણે વર્ષ 2018-19માં તેની પ્રિન્ટિંગ પણ બંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને કરી મોટી આગાહી

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે માહિતી આપી છે કે 1000 રૂપિયાની નોટ પરત લાવવાની હજુ કોઈ યોજના નથી. વધુમાં તેમણે કહ્યું કે હાલમાં લોકો આ સમયે અનુમાન લગાવી રહ્યા છે, પરંતુ સરકાર પાસે અત્યારે આવી કોઈ યોજના નથી.

માહિતી આપતા RBIએ કહ્યું કે નવેમ્બર 2016માં સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો પરત ખેંચી હતી તે સમયે કરવામાં આવેલી નોટબંધી બાદ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ નોટબંધી બાદ સરકારે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી, પરંતુ હવે ફરી એકવાર આ નોટને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.