અમદાવાદ શહેરમાં આજથી 15 દિવસ બાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે પરંપરા અનુસાર રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય છે. જેમાં 108 જેટલા કળશ લઈને સાબરમતી નદીના ભૂદરના આરેથી ધાર્મિક રીતે પૂજા-વિધિ કરીને લવાયેલ જળથી જ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવે છે. ત્યારે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે તે પૂર્વે આજરોજ જળયાત્રા નીકળવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની જળયાત્રા થઈ તે પહેલાં શહેરમાં થયેલા ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં પાણીનું પ્રમાણ વધ્યું હોવાથી ભગવાન માટે જળ લેવા માટે જતી બોટને આગક વધુ દૂર સુધી નહીં લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, રથયાત્રા પહેલા પરંપરા અનુસાર યોજાતી જળયાત્રાને લઈને ભગવાન જગન્નાથજીના મંદિરમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ જળયાત્રાનું ધાર્મિક રીતે અનોખુ મહત્વ હોય છે. આ વર્ષે યોજાયેલ જળયાત્રામાં શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ અપાયું છે. જળયાત્રાને રથયાત્રાના પ્રથમ પડાવ તરીકે માનવામાં આવતું હોવાથી મંદિર પરિસરમાં પણ રથયાત્રાની જેમ જ તૈયારીઓ થતી હોય છે.
તમને જણાવી દઈએ કે, જળયાત્રામાં સાબરમતી નદીના ભૂદરના આરે 108 કળશ લઈને જવામાં આવે છે. અને બાદમાં સાબરમતી નદીનું પાણી 108 કળશમાં ભરવામાં આવે છે. ધાર્મિક પૂજા વિધિથી કરીને લવાયેલ આ જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક થાય છે.