અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાતને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય ચક્રવાત પોરબંદરથી માત્ર 900 કિલોમીટર જ દૂર હોવાની વિગતો સામે આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 12 કલાકમાં આ ચક્રવાત હજુ પણ વધારે તીવ્ર બની શકે છે. 11 થી 13 જૂન દરમિયાન ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વાવાઝોડાની સંભવિત અસર વર્તાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 50થી 60 કિલોમીટરની સ્પીડથી પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે. જેથી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની આપવામાં આવેલી સૂચના યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, બિપોરજોય ચક્રવાત વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવનાના પગલે દેશના 8 રાજ્યોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. મોકા પછી આવેલ વધુ એક બિપોરજોય નામનું ચક્રવાત દેશના દરિયાકાંઠે આવેલા વિસ્તારો પર ખતરો ઊભો કરી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, આવતીકાલે આ ચક્રવાતી તોફાન ભારે સ્વરૂપ ધારણ કરે તેવી પીરી સંભાવના છે. અને કેરળ-કર્ણાટક તેમજ લક્ષદ્વીપ-માલદીવમાં તેની અસર જોવા મળશે. આ સાથે જ આજથી 10 જી. સુધી કોંકણ-ગોવા-મહારાષ્ટ્રના દરિયાકાંઠે ખૂબ ઊંચા મોજા ઊછળવાની શકયતા પણ રહેલી છે.
નોંધનીય છે કે, મધ્ય તેમજ ઉત્તર અરબી સમુદ્ર પર 11 જુનના રોજ વાવાઝોડાની અતિ વિનાશક સ્થિતિ જોવા મળે તેવી શકયતા રહેલી છે. મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારની સ્થિતિ ખૂબ જ ગંભીર રહે તેવી સંભાવના છે. મધ્ય તેમજ ઉત્તર અરબી સમુદ્ર પર 12 જુનના રોજ વાવાઝોડાની ખૂબ જ વિનાશક સ્થિતિ જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ અત્યંત ગંભીર રહે તેવી શક્યતા છે. તો મધ્ય તેમજ ઉત્તર અરબી સમુદ્ર પર 13 જુનના રોજ વાવાઝોડાની સ્થિતિ અતિ વિનાશક જોવા મળી શકે છે. મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ ખૂબ જ ગંભીર રહે તેવી શક્યતા છે.