AhmedabadGujarat

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આટલા દિવસ રહેશે વરસાદી માહોલ

અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ દ્વારા રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં બિપરજોય વાવાઝોડું જખૌથી 290 કિલોમીટર દૂર રહેલું છે. જ્યારે દ્વારકાથી 300, પોરબંદર 350 અને નલીયાથી 310 કિમી દૂર રહેલું છે. તેની સાથે વાવાઝોડું હાલ પ્રતિ કલાક ઝડપ 5 કિલોમીટરથી ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે, 15 જૂન સુધી વાવાઝોડાની અસર જોવા મળશે. આ સાથે 16 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ બનશે.

તેની સાથે વાવાઝોડાને લઈ સતત નવી જાણકારી સામે આવી રહી છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડું અત્યંત પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ ગયુંછે. બિપરજોય વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અરબ સમુદ્રમાં વાવાઝોડું થોડું નબળું પડ્યું છે તેમ છતાં 15 જૂન સુધી વાવાઝોડાની અસર જોવા મળશે.

તેની સાથે હવામાન વિભાગ અનુસાર આગામી પંદરમી જૂનના વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવેલ છે. આજે દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 15 અને 16 જૂનના કચ્છ, જામનગર દેવભૂમિ દ્વારકામાં વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ પણ કરી દેવાઈ છે. મુખ્યમંત્રી દ્વારા લોકોને સલામતરીતે ઘરમાં રહેવા માટે અપીલ કરાઈ છે.