ગુજરાત ATS એ પકડેલ આતંકીની તપાસમાં થયો ઘટસ્ફોટ, સુરત કોર્ટમાં હુમલો કરવાનો હતો પ્લાન
ગુજરાત ATSએ ઝડપી પાડેલ આતંકી સુમેરાબાનુની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું કે તેણી સુરત કોર્ટમાં આત્મઘાતી હુમલો કરવાની હતી. આ ખુલાસો થતાની સાથે જ સુરત પોલીસ સક્રિય થઈ ગઈ છે. પોલીસ, ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડની ટીમ સાથે કોર્ટમાં પહોંચીને કોર્ટ બિલ્ડિંગના ખૂણે ખૂણામાં તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSએ સુરતની સુમેરા બાનુની થોડા સમય પહેલા જ ધરપકડ કરી હતી. ત્યારે તેની તપાસ દરમિયાન પોલીસે દાવો કરતા જણાવ્યું હતું કે, સુરતની કોર્ટમાં સુમેરા બાનું આત્મઘાતી હુમલો કરવાની હતી. અને આ માટે તેણે કોર્ટના જજ તેમજ વકીલોની રેકી પણ કરી હતી. આ ખુલાસો થયા પછી સુરત ડિસ્ટ્રીક્ટ જજ તેમજ બાર એસોસિએશનના હોદ્દેદારો વચ્ચે મળેલ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે કોર્ટ પરિસરનો સુરક્ષા ઘેરો વધુ મજબૂત કરવામા આવે. આ સાથે જ કોર્ટ પરિસરમાં મેટલ ડિટેક્ટર મૂકી દેવામાં આવ્યું છે. બીજી તરફ આજ રોજ કોર્ટમાં બૉમ્બ સ્ક્વોડ અને ડોગસ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જો કે, હજુ સુધી કઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે, સુમેરાબાનું સુરત કોર્ટમાં આત્મઘાતી હુમલો કરવાની બાબત સામે આવતા જ કોર્ટની સુરક્ષમાં વધારો કરી દેવાયો છે. કોર્ટમાં હવે પોલીસ જવાનો શંકાના આધારે કોઈ પણની તપાસ કરી શકશે. તેમજ કોર્ટના મુખ્ય દરવાજા પાસે બે હથિયારધારી પોલીસ કર્મી અને બે મેટલ ડિટકટર હાજર છે. અને પોલીસ જવાનોને પણ કોર્ટ પરિસરમાં ઊભા રાખવામાં આવ્યા છે.