AhmedabadGujarat

ગુજરાત સરકારે વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને લઈને લીધો મહત્વપૂર્ણ નિર્ણય

બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ટકરાયા બાદ ધીરે-ધીરે સતત આગળ વધી રહ્યું છે. જ્યારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાતા તેને ભારે તબાહી મચાવી હતી. જ્યારે વાવાઝોડાને લીધે રાજ્ય સરકાર દ્વારા એક લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. એવામાં આ લોકોને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાના લીધે સ્થળાંતર કરવામાં આવેલ લોકોને સરકાર દ્વારા પાંચ દિવસ સુધી સહાયતા રૂપે પૈસા આપવામાં આવશે. સરકાર દ્વારા પુખ્ત વયના લોકોને 500 રૂપિયા અને બાળકોને 300 રૂપિયા સહાય ચુકવવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસુલ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે કે, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરાયા છે જેમાં રાજ્ય સરકાર દ્વારા પાંચ દિવસ લેખે સહાયતા અપાશે. પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે અને બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 રૂપિયા ચુકવાશે. જ્યારે બિપરજોય વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને કેશડોલ્સ તરીકે ચુકવવામાં આવશે. તેની સાથે મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરાશે.

નોંધનીય છે કે, બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ટકરાતા ગુજરાતના દરિયાકાંઠે ભારે તબાહી મચાવી હતી. ત્યાર બાદ વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને શાંત પડશે. બિપોરજોય વાવાઝોડાના લીધે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થઈ ગયા છે. તેના લીધે કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો.