ભાડાના મકાનમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ, વિદેશી નાગરિકો પાસેથી ડોલર ટ્રાન્સફર કરાવીને કરતા હતા મોટી કમાણી
પૈસા કમાવવા માટે ઘણા લોકો શોર્ટકટ અપનાવતા હોય છે. અને ઘણી વખત લોકો કોઈ સાથે છેતરપિંડી પણ કરવા લાગતા હોય છે. આવુ જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં વિદેશી નાગરિકોને કોલ કરીને તેમની સાથ ઠગાઈ કરતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. ભાડાના મકાનમાં આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. હાલ તો પોલીસે 25 જેટલાં ફોન અને બીજી અનેક વસ્તુઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તાર ખાતે આવેલ મનોહર વિલા નજીક સેન્ટ મેરી સ્કૂલ પાસે કેટલાક લોકો એક મકાનમાં વિદેશી નાગરિકોને છેતરપીંડી આચરતું એક સેન્ટર ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. અને જે મકાનમાં બોગસ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું ત્યાં રેડ પાડીને આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વિદેશના નાગરિકોને ફોન કરતા અને તેમને લોન મળશે તેવી લાલચ આપીને તેમની પાસેથી જુદા જુદા ડોક્યુમેન્ટ મેળવીને રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા. સામે વાળી વ્યક્તિને વિશ્વાસ આવે તે .માટે તેઓ ઇ મેઇલ મારફતે એક ડમી ચેક પણ તે લોકોને મોકલતા હતા. અને ત્યારપછી આ લોકો પોતાની કરામતથી જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં ડોલર ટ્રાન્સફર કરાવીને મોટી કમાણી કરતા હતા.
તમને જણાવી દઈએ કે, હાલ તો પોલીસે આ બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ કર્યો છે. અને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ધરપકડ કરેલ આરોપીમાં એકનું નામ અમિત સથવારા છે અને તેની સાથે બીજા બે લોકો પણ હતા. પોલીસે આ લોકો પાસેથી 25 મોબાઈલ ફોન, પેન ડ્રાઇવ, લેપટોપ તેમજ કોમ્પ્યુટરના રાઉટર જપ્ત કર્યા છે. અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.