કડી તાલુકામાં દિવસેને દિવસે સતત ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોરી,લૂંટફાટ અને હત્યાના કિસ્સાઓ કડી શહેરમાં એ રીતે વધી રહ્યા છે જાણે કડી તાલુકો ક્રાઈમનું એપી સેન્ટર હોય. ત્યારે કડીમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. કડીમાં એક પેટ્રોલપંપના માલિક તેમની ટેન્કર લઈને તેમના ઘરે ગયા તે દરમિયાન તેમની પાસેથી લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આ લૂંટને પગલે સમગ્ર કડીમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,જાસલપુર શાળામાં આચાર્ય તરીકે શિક્ષકની નોકરી કરતા અને વિઠલાપુર ખાતે પોતાનો માલિકીનો વારાહી પેટ્રોલિયમનો ધંધો-વ્યવસાય કરતા સતિષ પટેલ કડીના માર્કેટયાર્ડ રોડ ઉપર આવેલી ચિંતન એવન્યુ સોસાયટીમાં વસવાટ કરે છે. સોમવારે સાંજના સમયે સતિષભાઈ તેમના પેટ્રોલ પંપથી ડીઝલ ભરવાના ટેન્કરમાં ડ્રાઇવર સાથે નીકળીને કડી તેમના ઘરે આવી રહ્યા હતા.
સતિષભાઈ અને ટેન્કર નંબર GJ.38 T.143ની ડ્રાઇવર જીતેન્દ્ર આ બંને લોકો પેટ્રોલપંપનો દિવસ દરમિયાન થયેલો 2 લાખ ઇ4 હજાર રૂપિયાનો વકરો લઈને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે આ લોકોએ શિવ શક્તિ સોસાયટીના નાકે ટેન્કરને ઉભુ રાખી બંને જણા નીચે ઉતરીને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા તે દરમિયાન ભાગ્યોદય હોસ્પિટલ તરફથી આવી રહેલા બાઇક સવારો સતિષભાઈના હાથમાં રહેલ 2 લાખ 84 હજાર ભરેલો થેલો લૂંટીને ત્યાંથી ભાગી ગયા હતા. લૂંટ થતા સતિષભાઈએ જોરજોરથી બુમાબુમ કરી મુક્ત આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને રૂપિયા લૂંટીને ભાગી રહેલા ઈસમોનો પીછો કરવા ગયા હતા. પરંતું બાઈક સવારો ખૂબ જ સ્પીડમાં બાઇક ચલાવીને ત્યાંથી છુંમંતર થઈ ગયા હતા.
તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તો પોલીસે પણ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આ મામલે પૈસા લૂંટનાર લોકોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.